મૉલદીવ્ઝમાં ડાઇવિંગ અકસ્માત, સમુદ્રી ગુફાઓની શોધમાં નીકળેલા પાંચ ઇટાલિયન ડાઇવર્સનાં મોત

17 May, 2026 10:56 AM IST  |  maldives | Gujarati Mid-day Correspondent

કોઈ ડાઇવર ગુફામાં ફસાઈ ગયો હશે અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઑક્સિજનની ઊણપ અનુભવાઈ હશે

પાંચ ઇટાલિયન ડાઇવર્સે જીવ ગુમાવ્યો હતો

મૉલદીવ્ઝના વાવુ એટોલમાં પાણીની અંદર રહેલી સમુદ્રી ગુફાઓની શોધમાં નીકળેલા પાંચ ઇટાલિયન ડાઇવર્સે જીવ ગુમાવ્યો હતો. મૉલદીવ્ઝના ઇતિહાસમાં આ સૌથી મોટો ડાઇવિંગ અકસ્માત છે. બધા ડાઇવર્સ લગભગ પચાસ મીટરની ઊંડાઈએ આવેલી પાણીની અંદર ગુફાઓની તપાસ કરવા ગયા હતા, પરંતુ પાછા ફરી શક્યા નહોતા. અત્યાર સુધીમાં ફક્ત એક જ મૃતદેહ મળી આવ્યો છે. ખરાબ હવામાન અને મુશ્કેલ દરિયાઈ પરિસ્થિતિઓને કારણે બચાવ-કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. અધિકારીઓનું માનવું છે કે બાકીના ૪ ડાઇવર્સના મૃતદેહ હજી પણ ગુફાની અંદર હોઈ શકે છે. જીવ ગુમાવનારા લોકોમાં બા-દીકરીનો પણ સમાવેશ છે. આ ટીમ ડ્યુક ઑફ યૉર્ક નામની બોટ પર સમુદ્રમાં ગઈ હતી.

શું બન્યું હોઈ શકે?
તપાસકર્તાઓને એવી આશંકા છે કે કોઈ ડાઇવર ગુફામાં ફસાઈ ગયો હશે અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઑક્સિજનની ઊણપ અનુભવાઈ હશે અથવા તેઓ ગભરાઈ ગયા હશે. કેટલાક નિષ્ણાતો ઝેરી ઑક્સિજનની પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ એક એવી સ્થિતિ છે જેમાં ઉચ્ચ દબાણને કારણે ઑક્સિજન ઝેરી બની શકે છે.

international news world news maldives italy travel