કૅલિફૉર્નિયાની ચૂંટણીમાં પાંચ લાખ ભારતીય વોટરોનો દબદબો

16 September, 2021 11:04 AM IST  |  California | Agency

આ ચૂંટણીમાં બન્ને પક્ષોએ ગુજરાતી મતદારોને પોતાની સાથે રાખવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. રિપબ્લિકન પાર્ટીએ કૅલિફૉર્નિયાની ઑરેન્જ કાઉન્ટીમાં ‘ફ્લૅગ ડે સેલ્યુટ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના સૌથી વધુ જનસંખ્યા ધરાવતા કૅલિફૉર્નિયા રાજ્યની આ ચૂંટણી અમેરિકાની વર્તમાન સરકાર અને હાલ વિરોધ પક્ષમાં રહેલી રિપબ્લિકન પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની હતી. આ ચૂંટણીમાં બન્ને પક્ષોએ ગુજરાતી મતદારોને પોતાની સાથે રાખવાના પૂરતા પ્રયાસ કર્યા હતા. રિપબ્લિકન પાર્ટીએ કૅલિફૉર્નિયાની ઑરેન્જ કાઉન્ટીમાં ‘ફ્લૅગ ડે સેલ્યુટ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 
આ કાર્યક્રમમાં ગવર્નર ગૅવિન ન્યૂસોમને કાંટાની ટક્કર આપનારા રિપબ્લિકન ઉમેદવાર લૅરી ઍલ્ડર સાથે ઉપસ્થિત રહેલા ગુજરાતી બિઝનેસમૅન અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઑફ નૉર્થ અમેરિકાના પ્રેસિડન્ટ યોગી પટેલે આ ચૂંટણીમાં ગુજરાતી મતદારોના મહત્ત્વ વિશે વાત કરી. આ યોગી પટેલ અને ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઑફ નૉર્થ અમેરિકાના ચૅરમૅન પરિમલ શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તેમણે પોતાનો વ્યક્તિગત મત વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘રિપબ્લિકન પક્ષ રૂઢિવાદી અને જમણેરી વિચારધારામાં માને છે અને સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ટૅક્સમાં ઘણી રાહતો અને અન્ય સુવિધાઓ આપે છે, જ્યારે ડેમોક્રૅટિક પક્ષ સ્થાનિક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસેથી વધુ ટૅક્સ લઈને દેશના તમામ લોકોને સુવિધાઓ આપવાની યોજનાઓ બનાવે છે. અમેરિકામાં મોટા ભાગના ગુજરાતીઓ પોતાનો બિઝનેસ ધરાવે છે. બન્ને પક્ષોની આ વિચારધારાને અહીં વસનારા ગુજરાતી બિઝનેસમેન ૫૦-૫૦ ટકા ટેકો આપે છે.’ 
વધુમાં તેમણે આ ચૂંટણી વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં રિપબ્લિકન ઉમેદવાર લૅરી ઍલ્ડરનું પલડું ભારે હતું, કારણ કે જો તેઓ ચૂંટાઈ આવશે તો કૅલિફૉર્નિયાના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બે દિવસ પહેલાં સોમવારે જ કૅલિફૉર્નિયાની મુલાકાત લીધી હોવાથી વર્તમાન ગવર્નરની તરફેણમાં મતદારોનું વલણ બદલાયું છે.’  યોગી પટેલે જણાવ્યું, ‘કૅલિફૉર્નિયામાં હાલ ડેમોક્રૅટિક પાર્ટીના ગવર્નર છે અને તેમની સામે આ ચૂંટણીમાં લૅરી ઍલ્ડર રિપબ્લિકન પક્ષમાંથી ઉમેદવાર છે. હાલ કૅલિફૉર્નિયામાં લગભગ ૫ લાખ જેટલા ભારતીય મતદારો છે. આ ભારતીય મતદારોમાં ગુજરાતી મતદારોની સંખ્યા અંદાજે ૨ લાખ જેટલી છે. આથી બન્ને પક્ષો ગુજરાતી મતદારો પોતાની તરફ આકર્ષિત કરવાના પૂરતા પ્રયત્નો કરે છે.’
કૅલિફૉર્નિયાના વર્તમાન ગવર્નર ગૅવિન ન્યૂસમે પોતાની તરફેણમાં ૬૪.૨ ટકા જેટલા મતો સાથે ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાનપદમાં થયેલા બદલાવની જેમ જ હાલ અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના ગવર્નરપદ માટે પણ બદલાવની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં ડૅમોક્રૅટિક પાર્ટીના વર્તમાન ગવર્નર ગૅવિન ન્યૂસોમને તેમના પદેથી ખસેડવા માટેની મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કૅલિફૉર્નિયા રાજ્યમાં વસેલા લગભગ ૫ લાખ ભારતીય મતદાતાઓ અને એમાંથી લગભગ બે લાખ જેટલા ગુજરાતી મતદારો છે.

international news california