PNB Scam: મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટે ગેરકાયદે પ્રવાસી જાહેર કર્યો

10 June, 2021 01:21 PM IST  |  Dominica | Gujarati Mid-day Online Correspondent

કાયદા અનુસાર ચોકસીને વહેલી તકે દેશમાંથી બહાર કાઢવાના પગલાં લેવાનો આદેશ

ફાઈલ તસવીર

પીએનબી ગોટાળા (PNB Scam) મામલામાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી (Mehul Choksi)ને ડોમિનિકા કોર્ટે ગેરકાયદે પ્રવાસી જાહેર કરીને તેને મોટો ઝટકો આપ્યો છે. આ સાથે જ તેનો ભારત આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ડોમિનિકાના રાષ્ટ્રીય સુરક્ષા અને ગૃહ પ્રધાન પ્રધાન રાયબર્ન બ્લેકમૂરે પોલીસ વડાને આદેશ આપ્યો છે કે કાયદા અનુસાર ચોકસીને વહેલી તકે દેશમાંથી બહાર કાઢવાના પગલાં લેવામાં આવે.

૨૫મેના રોજ ડોમિનિકા સરકાર દ્વારા આ વિશે આદેશ જારી કરવામાં આવ્યો હતો. એન્ટિગુઆમાં રહેતો મેહુલ ચોકસી ૨૩મેના રોજ ડોમિનિકા પહોંચ્યો હતો, ત્યારે ત્યાં ડોમિનિકાની પોલીસે તેને પકડી લીધો હતો અને હજુ સુધી તે પોલીસની કસ્ટડીમાં જ છે. મેહુલ ચોકસી દ્વારા જામીન અરજી કરવામાં આવી છે. જો કે તેના પર કોઈ નિર્ણય આવ્યો નથી.

મળતી માહિતી પ્રમાણે, ડોમિનિકા પ્રશાસને મેહુલ ચોક્સીના ડોક્યુમેન્ટને અદાલત સામે રજૂ કર્યો અને અપીલ કરી કે તેની અરજી ફગાવી દેવામાં આવે અને તેને ભારત મોકલવામાં આવે. સરકારનો આ આદેશ મેહુલ ચોકસી માટે મોટો ઝટકો છે અને સાથે જ અપહરણ કરવાની થિયરી પર પણ પ્રશ્નો ઉભા કરે છે.

મેહુલ ચોકસી એન્ટિગુઆથી ગુમ થઈ ગયો હતો. બાદમાં તે ક્યુબા જતા સમયે ડોમિનિકામાં પકડાયો હતો. તેની પાસે એન્ટિગુઆનું નાગરિત્વ છે. મેહુલ ચોકસીના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, મેહુલ ચોકસીનું અપહરણ કરવામાં આવ્યું અને તેને જબરદસ્તી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. પરંતુ તેની હરકતોથી ત્રસ્ત એન્ટિગુઆની સરકારે તેને ડોમિનિકાથી સીધો ભારતને હવાલે કરવાની વિનંતી કરી હતી. પરંતુ આ પહેલા, ડોમિનિકાની અદાલતે ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી છે. પણ હવે ડોમિનિકા સરકારના ૨૫મેના આદેશ બાદ મેહુલનો ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો હોય તેવું લાગે છે.

તમને જણાવી દઈએ કે, મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડની કથિત રીતે છેતરપિંડી કરી છે. નીરવ મોદી લંડનની એક જેલમાં કેદ છે અને તે ભારત પ્રત્યર્પિત કરવાની વિરુદ્ધ કેસ લડી રહ્યો છે. જ્યારે મેહુલ ચોકસીએ વર્ષ ૨૦૧૭માં એન્ટિગુઆ અને બારબુડાની નાગરિકતા લીધી હતી અને જાન્યુઆરી ૨૦૧૮ના પહેલા અઠવાડિયામાં ભારતથી ભાગી ગયો હતો. ત્યારબાદ આ ગોટાળો સામે આવ્યો હતો.

international news dominica punjab national bank mehul choksi