ડોનલ્ડ ટ્રમ્પે MRI સ્કૅન કરાવ્યો હોવાનું કબૂલ્યું, પણ કારણ આપવાનું ટાળ્યું

29 October, 2025 12:07 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પ ૭૯ વર્ષના છે અને અત્યાર સુધીના અમેરિકાના સૌથી મોટી વયના પ્રેસિડન્ટ છે.

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટને કોઈ ન્યુરોલૉજિકલ સમસ્યા હોવાની અટકળો થઈ રહી છે ત્યારે …

ઘણા સમયથી ડોનલ્ડ ટ્રમ્પને કોઈ ભેદી સમસ્યા છે એવી વાતો ચર્ચાતી રહી છે. તેમને ચેતાતંતુને લગતી કોઈક સમસ્યા છે એવી વાતો થાય છે. જોકે જપાન માટે નીકળતાં પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે તેમણે અન્ય રૂટીન ફિઝિકલ ચેક-અપની સાથે મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) ટેસ્ટ અને કૉગ્નિટિવ ટેસ્ટ કરાવ્યો હતો અને બધું પર્ફેક્ટ છે.

ડોનલ્ડ ટ્રમ્પ ૭૯ વર્ષના છે અને અત્યાર સુધીના અમેરિકાના સૌથી મોટી વયના પ્રેસિડન્ટ છે. તેમની ઉંમર જોતાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો થયા કરે એ સ્વાભાવિક છે. થોડા દિવસ પહેલાં તેમણે MRI કરાવેલું એના રિઝલ્ટ વિશે વાઇટ હાઉસે કશું જાહેર નથી કર્યું એ બાબતે સવાલ કરતાં તેમણે કહેલું કે ‘મેં જેવો રિપોર્ટ તમને આપ્યો એવો કોઈ નહીં આપે. જો મને લાગ્યું હોત કે રિપોર્ટ સારો નથી તો મેં એ પણ કહી દીધું હોત. હું કશાથી ગભરાતો નથી. ડૉક્ટરોએ કહ્યું છે કે ઉંમરના હિસાબે આ બહુ સરસ રિપોર્ટ છે.’

જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર અને અમેરિકાના ટોચના હૃદયરોગના નિષ્ણાત ડૉ. જોનાથન રેનરનું કહેવું છે કે ‘કોઈ રૂટીન ચેક-અપમાં MRI સજેસ્ટ કરવામાં નથી આવતો. તેમને ન્યુરોલૉજિકલ એટલે કે ચેતાતંત્રને લગતાં કોઈક લક્ષણો હશે જેને કારણે આ ટેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.’ 

international news world news donald trump washington healthy living united states of america