08 January, 2026 11:59 AM IST | America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
વેનેઝુએલાના પદભ્રષ્ટ પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડ કરીને તેમને અમેરિકા લઈ ગયા બાદ હવે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ‘વેનેઝુએલાના કાર્યકારી પ્રેસિડન્ટ ૩૦થી ૫૦ મિલ્યન બૅરલ પ્રતિબંધિત તેલ અમેરિકાને સોંપશે. આ તેલ બજારભાવે વેચવામાં આવશે અને વેચાણથી મળનારી આવક પર મારું નિયંત્રણ રહેશે. આ રકમનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિત માટે કરવામાં આવશે.’
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘મેં ઊર્જાસચિવ ક્રિસ રાઇટને આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની સૂચના આપી છે. તેલ-સ્ટોરેજ જહાજો દ્વારા સીધાં અમેરિકાનાં બંદરો પર પહોંચાડવામાં આવશે.’
આ કાચા તેલનું વર્તમાન મૂલ્ય આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા છે. ટ્રુથ સોશ્યલ પર ટ્રમ્પની જાહેરાત પછી તરત જ અમેરિકન તેલના ભાવ પ્રતિ બૅરલ લગભગ એક ડૉલર અથવા ફક્ત બે ટકાથી ઓછા ઘટીને ૫૬ ડૉલર થયા હતા.
બજાર પર મર્યાદિત અસર
ત્રણથી પાંચ કરોડ બૅરલ એક નોંધપાત્ર વૉલ્યુમ હોવા છતાં વપરાશની દૃષ્ટિએ એ નાનું છે, કારણ કે ગયા મહિનામાં અમેરિકાનો સરેરાશ વપરાશ બે કરોડ બૅરલ જેટલો હતો. પરિણામે બળતણના ભાવ પર માત્ર સામાન્ય અસર પડી શકે છે.