08 November, 2025 08:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે વાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપ્યો હતો કે ભારત સાથે વેપાર-વાટાઘાટો સારી ચાલી રહી છે. તેમણે આવતા વર્ષે ભારતની સંભવિત મુલાકાતનો પણ સંકેત આપ્યો હતો.
વાઇટ હાઉસની પ્રેસ-બ્રીફિંગમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મિત્ર અને મહાન વ્યક્તિ ગણાવ્યા હતા. ભારતની સંભવિત મુલાકાત વિશે પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદી એક મહાન માણસ છે. તે મારા મિત્ર છે અને અમે વાત કરીએ છીએ અને તે ઇચ્છે છે કે હું જાઉં. અમે સમજી લઈશું, હું જઈશ. અમારી મુલાકાત ક્યારે થશે એ સ્પષ્ટ નથી, પરંતુ એ આવતા વર્ષે થઈ શકે છે.
ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું મોટા ભાગે બંધ કરી દીધું છે એવો દાવો તેમણે કર્યો હતો. રશિયન તેલ અને શસ્ત્રો ખરીદવા બદલ ૨૫ ટકા સાથે ભારત પર કુલ ૫૦ ટકા ટૅરિફ ટ્રમ્પે ઑગસ્ટમાં લગાવી દીધી હતી.