25 October, 2025 09:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
થોડા દિવસોની સ્થિરતા પછી કૅનેડા અને અમેરિકાના સંબંધોમાં ફરી પડતી આવી છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા સાથે ચાલી રહેલી તમામ વેપારી વાટાઘાટોને રદ કરી દેવાની જાહેરાત કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પે ગુરુવારે આ જાહેરાત કરી હતી અને કૅનેડા પર છેતરપિંડીભરી ઍડ્વર્ટાઇઝમેન્ટ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
આ ઍડ્વર્ટાઇઝમેન્ટમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનલ્ડ રેગન ટૅરિફની વિરુદ્ધમાં બોલતા હોય એવું દર્શાવવામાં આવ્યું હતું. અમેરિકાના આ નિર્ણયથી બે પાડોશીઓ દેશ વચ્ચે ફરી તનાવ વધ્યો છે. થોડા દિવસો પહેલાં જ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથે મુલાકાત કરી હતી જ્યાં બન્ને નેતાઓએ વેપાર સંબંધો સુધારવા માટે ચર્ચા કરી હતી.
ડોનલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘રોનલ્ડ રેગન ફાઉન્ડેશને ખુલાસો કર્યો છે કે કૅનેડાએ ઍડ્વર્ટાઇઝમેન્ટ દ્વારા છેતરપિંડી કરી છે. આ નકલી ઍડ્વર્ટાઇઝમેન્ટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનલ્ડ રેગનને ટૅરિફ વિશે નેગેટિવ વાતો કરી રહેલા દર્શાવાયા છે. આ ઍડ્વર્ટાઇઝમેન્ટમાં ૭૫ મિલ્યન ડૉલરનો ખર્ચ થયો હતો. ટૅરિફ રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે જરૂરી છે. કૅનેડાના આ વર્તનને ધ્યાનમાં રાખીને અમે એમની સાથેની તમામ વેપારી વાટાઘાટો પૂરી કરીએ છીએ.’
તાજેતરના અઠવાડિયામાં અમેરિકા અને કૅનેડા વચ્ચેના સંબંધો થોડા સુધર્યા હતા, પણ હવે ફરી બન્ને દેશો વચ્ચે તનાવ ઊભરી આવ્યો છે. કૅનેડાના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વડા પ્રધાન કાર્નીએ ગુરુવારે એવું સ્વીકાર્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન સાથેની ટ્રેડ-ડીલ હવે અશક્ય લાગે છે.