અધધધધ ૫૦૦ ટકા ટૅરિફ ભારત પર લગાવવાની તૈયારી કરી લીધી ડોનલ્ડ ટ્રમ્પે

09 January, 2026 07:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રશિયા સાથે વેપાર કરનારા દેશો પર ભારે ડ્યુટી લાદવા માટેના બિલને લીલી ઝંડી આપી દીધી છે અને આવતા અઠવાડિયે આ બિલ સંસદમાં રજૂ થશે : ભારત, ચીન અને બ્રાઝિલ આ ત્રણ દેશો પર અમેરિકાનું સીધું નિશાન

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધ લગાવવા માટેના એક નવા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ અમેરિકન રાષ્ટ્રપતિને ભારત પર ૫૦૦ ટકા ટૅરિફ લગાવવાની મંજૂરી આપે છે. આવતા અઠવાડિયે આ બિલ અમેરિકાની સંસદમાં રજૂ થશે અને એના પર વોટિંગ પણ થશે.

ડોનલ્ડ ટ્રમ્પે જે નવા બિલને લીલી ઝંડી આપી છે એ એવા દેશો પર ભારે ટૅરિફ લાદવાની અનુમતિ આપે છે જે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદે છે. આ બિલ દ્વારા ભારત ઉપરાંત ચીન અને બ્રાઝિલને પણ અસર કરવાની ડોનલ્ડ ટ્રમ્પની મંશા છે. ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઑઇલ ખરીદી રહ્યું છે. જો ભારત આ ચાલુ રાખશે તો અમેરિકા ‘સૅન્ક્શનિંગ રશિયા ઍક્ટ ૨૦૨૫’ અંતર્ગત ભારતથી આયાત થતા તમામ સામાનો અને સેવાઓ પર ૫૦૦ ટકા સુધીની ડ્યુટી વધારી શકે છે. આ જ વાત ચીન અને બ્રાઝિલને પણ લાગુ પડશે.

રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામે કહ્યું હતું કે ‘બુધવારે વાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં તેમણે સંસદમાં આ બિલ રજૂ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ બિલ છેલ્લા કેટલાય મહિનાઓથી તૈયાર થઈ રહ્યું હતું. આવતા અઠવાડિયે એને સંસદમાં વોટિંગ માટે રજૂ કરવામાં આવી શકે છે.’

શું છે આ બિલ?

સૅન્ક્શનિંગ રશિયા ઍક્ટ ૨૦૨૫ નામના આ બિલનો હેતુ છે એ દેશો પર દબાવ બનાવવાનો જે યુક્રેન-રશિયા સાથેના યુદ્ધ વચ્ચે પણ રશિયા પાસેથી કાચું તેલ ખરીદે છે. આ બિલ અંતર્ગત રશિયાનાં ઊર્જા, બૅન્કિંગ અને ડિફેન્સ સેક્ટરને નિશાન બનાવવામાં આવ્યાં છે. એમાં રશિયન તેલ-ગૅસ કંપનીઓ, મોટી બૅન્કો, ડિફેન્સ ઇન્ડસ્ટ્રી અને એની સાથે સંકળાયેલા ગ્લોબલ નેટવર્ક પર સખત પાબંદીઓ મૂકવાનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત રશિયા સાથે કામ કરતા ત્રીજા દેશો, કંપનીઓ અને બૅન્કો પર સેકન્ડરી સૅન્ક્શન લગાવવાનું પ્રાધાન છે. 

સંસદમાં ૮૦ ટકાનું સમર્થન 

રશિયાની સામે પ્રતિબંધ લગાવવાના આ બિલને લગભગ ૮૦ ટકા સંસદસભ્યોનું સમર્થન છે, કેમ કે આ બિલ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રૅટ સેનેટર રિચર્ડ બ્લુમૅન્થલે મળીને બનાવ્યું છે. એ જોતાં અમેરિકાની સંસદમાં આ બિલ બહુમતીથી પસાર થઈ જાય એવી સંભાવના ઊંચી છે.

international news india donald trump united states of america russia tariff