ડોનલ્ડ ટ્રમ્પના બોર્ડ ઑફ પીસની પર્મનન્ટ મેમ્બરશિપની ફી ૯૦૭૦ કરોડ રૂપિયા

20 January, 2026 09:04 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગાઝાના પુનર્નિર્માણ માટેના આ સંગઠનમાં જોડાવા માટે ઘણા દેશોને આમંત્રણ, ભારતનો પણ સમાવેશ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં આગામી પગલાની દેખરેખ રાખવા માટે રચવામાં આવેલા ‘બોર્ડ ઑફ પીસ’માં જોડાવા માટે અનેક દેશોને આમંત્રણ મળ્યું છે. જોકે આમાં કાયમી બેઠક મેળવવા માટે એક અબજ ડૉલર એટલે કે ૯૦૭૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. રવિવારે ૬ દેશોએ જણાવ્યું હતું કે તેમને આને માટે આમંત્રણ મળ્યું છે અને આમાં ભારતને પણ આમંત્રણ મળ્યું છે.

નામ ન આપવાની શરતે ચાર્ટર વિશે વાત કરતાં એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ‘એક અબજ ડૉલરનું યોગદાન આપીને ટ્રમ્પના નેતૃત્વ હેઠળના બોર્ડમાં કાયમી સભ્યપદ મેળવી શકાશે. જોકે એમાં ત્રણ વર્ષની મેમ્બરશિપ પણ મળે છે અને એના માટે કોઈ યોગદાનની જરૂર નથી. એકત્ર કરાયેલાં નાણાં ગાઝાના પુનર્નિર્માણ માટે વાપરવામાં આવશે.’

ભારતને પણ આમંત્રણ

‘બોર્ડ ઑફ પીસ’ સંબંધિત જાણકારી ધરાવતા એક વરિષ્ઠ ભારતીય સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભારતને આમંત્રણ મળ્યું છે, પણ એ વિશેની માહિતી જાહેર કરવામાં નથી આવી.

ક્યા દેશોને આમંત્રણ મળ્યાં?

જૉર્ડન, ગ્રીસ, સાયપ્રસ અને પાકિસ્તાને રવિવારે જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યાં છે. કૅનેડા, ટર્કી, ઇજિપ્ત, પારાગ્વે, આર્જેન્ટિના અને આલ્બેનિયાએ પહેલાંથી જ કહ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યું છે. કુલ કેટલાને આમંત્રણ આપવામાં આવ્યું છે એ સ્પષ્ટ નથી. આગામી દિવસોમાં સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની બેઠકમાં અમેરિકા ‘બોર્ડ ઑફ પીસ’ના સભ્યોની સત્તાવાર યાદી જાહેર કરે એવી શક્યતા છે.

બોર્ડ આૅફ પીસ શું કરશે?

‘બોર્ડ ઑફ પીસ’માં રહેલા મેમ્બર-દેશો ગાઝામાં આગામી પગલાંઓનું નિરીક્ષણ કરશે, કારણ કે ૧૦ ઑક્ટોબરથી અમલમાં આવેલો યુદ્ધવિરામ એના પડકારજનક બીજા તબક્કામાં પ્રવેશ કરે છે. એમાં ગાઝામાં નવી પૅલેસ્ટીનિયન સમિતિ, આંતરરાષ્ટ્રીય સુરક્ષાદળની તહેનાતી, હમાસનું નિઃશસ્ત્રીકરણ અને યુદ્ધગ્રસ્ત પ્રદેશનું પુનર્નિર્માણ સામેલ છે.

યુનાઇટેડ નેશન્સનો હરીફ બનશે

શુક્રવારે વિશ્વના નેતાઓને ‘બોર્ડ ઑફ પીસ’ના સ્થાપક સભ્યો બનવા માટે આમંત્રણ આપતા પત્રોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ બોર્ડ વૈશ્વિક સંઘર્ષના ઉકેલ માટે એક નવો સાહસિક અભિગમ અપનાવશે. એ યુનાઇટેડ નેશન્સનો સંભવિત હરીફ બની શકે છે જે બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવેલી વૈશ્વિક સંસ્થા છે. ટ્રમ્પ પ્રશાસન અને અન્ય દાતાઓએ યુનાઇટેડ નેશન્સને આપવામાં આવતા ભંડોળમાં મોટો કાપ મૂક્યો છે એથી એનો પ્રભાવ ઓછો થયો છે.

ઇઝરાયલે કર્યો વિરોધ

વાઇટ હાઉસે ગયા અઠવાડિયે ‘બોર્ડ ઑફ પીસ’ના વિઝનને અમલમાં મૂકનારા નેતાઓની એક કારોબારી સમિતિની પણ જાહેરાત કરી હતી, પરંતુ ઇઝરાયલે વાંધો ઉઠાવ્યો હતો કે સમિતિ ઇઝરાયલ સાથે સંકલિત નથી અને એની નીતિની વિરુદ્ધ છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસે આ પહેલની ટીકા કરી હતી.

international news world news donald trump israel united nations gaza strip