અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં જહાજોને કાઢવા માટે ઈરાનને મદદ કરશે : ડોનલ્ડ ટ્રમ્પ

09 April, 2026 11:24 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાંના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ઈરાને મિલિટરી મૅનેજમેન્ટ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ખોલી હતી

ડોનલ્ડ ટ્રમ્પ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી હોવાથી ઘણાં જહાજો આ શિપિંગ રૂટ પર ફસાઈ ગયાં છે. હવે જ્યારે બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામ થયો છે ત્યારે અમેરિકાએ આ જહાજોને સુરક્ષિત કાઢવા માટે ઈરાનને મદદ કરવાની તૈયારી દર્શાવી છે. આ મુદ્દે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાન એનું પુનર્નિર્માણ કાર્ય શરૂ કરી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોના સુરક્ષિત માર્ગમાં અમેરિકા પણ મદદ કરશે. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે.’

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે બે અઠવાડિયાંનો યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. તેમના નિવેદનમાં ડોનલ્ડ ટ્રમ્પે લખ્યું હતું કે ‘વિશ્વશાંતિ માટે એક મહાન દિવસ. ઈરાન પણ આ ઇચ્છે છે. હવે તેમની ધીરજ ખૂટી ગઈ છે અને બીજા બધાની પણ ધીરજ ખૂટી ગઈ છે. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોના માર્ગને સરળ બનાવવામાં મદદ કરશે. ઘણાં સકારાત્મક પગલાં લેવામાં આવશે. આનાથી પ્રચંડ આર્થિક લાભ થશે. અમે તમામ જરૂરી પુરવઠાથી ભરેલાં જહાજો મોકલીશું અને બધું સરળતાથી ચાલે એ સુનિશ્ચિત કરવા માટે ત્યાં આસપાસમાં હાજર રહીશું. મને વિશ્વાસ છે કે એ થશે. જેમ આપણે હાલમાં અમેરિકામાં અનુભવી રહ્યા છીએ. આ મધ્યપૂર્વ માટે પણ ‘સુવર્ણ યુગ’ સાબિત થઈ શકે છે.’  

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલી
ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાંના યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ઈરાને મિલિટરી મૅનેજમેન્ટ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ ખોલી હતી. જોકે કયા જહાજને જવા દેવું અને કોને રોકવું એ સત્તા હજી પણ ઈરાનના હાથમાં છે. જો હુમલા થશે તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવશે.                  

યુદ્ધવિરામની શરતો મુજબ ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી મેળવી શકશે

અમેરિકા અને ઈરાન વચ્ચેની બે અઠવાડિયાંની યુદ્ધવિરામ યોજનામાં ઈરાન અને ઓમાન બન્નેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પર ટ્રાન્ઝિટ-ફી વસૂલ કરવાની મંજૂરી આપવાની જોગવાઈ સામેલ છે. ૩૪ કિલોમીટર પહોળી આ સ્ટ્રેટ ઓમાન અને ઈરાન બન્નેના પ્રાદેશિક પાણીમાં આવે છે અને એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માનવામાં આવે છે. ભૂતકાળમાં બન્ને દેશ દ્વારા કોઈ ટોલ વસૂલ કરવામાં આવતો નહોતો. તેહરાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધમાં થયેલી ખુવારી બાદ એના પુનર્નિર્માણ માટે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી મળનારી ટ્રાન્ઝિટ-ફીનો ઉપયોગ કરશે, કારણ કે આ યુદ્ધે દેશના સંરક્ષણ, વહીવટી અને નાગરિક માળખાને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
 
ટ્રાન્ઝિટ ફી લઈ શકાય?
આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું સંચાલન કરતા યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સી (UNCLOS) હેઠળ સરહદી સ્ટ્રેટની પાસે આવેલા દેશ ફક્ત માર્ગ આપવા માટે ટ્રાન્ઝિટ-ફી માગી શકતા નથી. જોકે તેઓ પાઇલટિંગ, ટગિંગ અથવા બંદર સેવાઓ જેવી ચોક્કસ સેવાઓ માટે મર્યાદિત ફી લાદી શકે છે. જોકે આ ફી કોઈ ચોક્કસ દેશનાં જહાજો પર વધુ ભારે ન વસૂલવામાં આવે.
international news world news iran israel middle east crisis donald trump hormuz strait oman