11 November, 2025 08:46 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
ભારત માટે અમેરિકા તરફથી એક મોટા અને સારા સમાચાર આપવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ આ સમાચારની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે ભારતીય માલ પરના ટૅરિફને અડધા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પહેલા તો તે ટૅરિફમાં વધારો કર્યો કારણ કે ભારત રશિયા પાસેથી મોત પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું હતું, પરંતુ હવે જ્યારે ભારતે તેલની આયાત ઓછી કરી છે, ત્યારે ટ્રમ્પ કહે છે કે હવે તેમની સામેના ટૅરિફને ઓછો કરવાનો સમય આવી ગયો છે.
યુએસ ટૅરિફમાં ઘટાડો શા માટે કરી રહ્યું છે તે જાણો
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું “ભારત પહેલા તેલ માટે રશિયા પર ખૂબ આધાર રાખતું હતું, તેથી અમેરિકાએ ભારે ટૅરિફ લગાવીને વળતો પ્રહાર કર્યો. હવે, ભારતે તે ખરીદીઓ પાછી ખેંચી લેતા, અમેરિકા ટૅરિફ દર ઘટાડવામાં આરામદાયક અનુભવે છે. ટ્રમ્પ થોડા સમયથી સંકેત આપી રહ્યા છે કે ભારત સાથેના વેપાર સંબંધો નરમ પડી રહ્યા છે, અને હવે તેઓ કહી રહ્યા છે કે વેપાર સોદો પહેલા કરતાં વધુ નજીક છે.
ટૅરિફ વધારા અને વિવાદ પર એક નજર કરો
ટ્રમ્પે શરૂઆતમાં ભારતીય ઉત્પાદનો પર 25 ટકા પારસ્પરિક ટૅરિફ લાદ્યો હતો, પછી અચાનક તેને બમણો કરીને 50 ટકા કર્યો હતો. ટ્રમ્પના મતે, રશિયા સાથેના ભારતના સોદા જેમાં ખાસ કરીને તેલ અને શસ્ત્રો ખરીદવા સામેલ હતું તે યુક્રેન સામે રશિયાના પુતિનના યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી રહ્યા હતા. જેના પર ટ્રમ્પ અને અમેરિકા દ્વારા ભારતની આ ખરીદી પર ટીકા કરવામાં આવી રહી હતી. વેપાર સોદાના મોરચે બન્ને દેશોએ ફેબ્રુઆરી 2025 માં દ્વિપક્ષીય વેપાર કરાર માટે ઔપચારિક વેપાર વાટાઘાટો શરૂ કરી હતી. પરંતુ એકવાર અમેરિકાએ ટૅરિફમાં બમણો વધારો કર્યો, તે વાટાઘાટો મૂળભૂત રીતે વિરામ પર આવી ગયો હતો. તેઓ વધારા પહેલા વાટાઘાટોના પાંચ રાઉન્ડમાંથી પસાર થઈ ચૂક્યા હતા. પછી, ઑગસ્ટમાં, 50 ટકા સુધી ટૅરિફ સાથે, બધું સ્થગિત થઈ ગયું.
હવે, ખરેખર કેટલા સારા સમાચાર છે
ટૅરિફ ઘટવા સાથે અમેરિકા અને ભારત હવે ટેબલ પર પાછા આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. આનાથી ભારતીય નિકાસકારોને ખૂબ જ જરૂરી રાહત મળે છે અને સંકેત મળે છે કે બન્ને દેશો ટૂંક સમયમાં વેપાર સોદો પૂર્ણ કરી શકે છે. તે સ્પષ્ટ સંકેત છે કે મહિનાઓના તણાવ પછી ભારત અને અમેરિકા વચ્ચે પરિસ્થિતિ ગરમ થઈ રહી છે. થોડા સમય પહેલા પણ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરાર કરવા અંગે અપડેટ આપ્યું હતું, જે હવે ટૅરિફ ઘટાડા સાથે પૂર્ણ થશે, એવી આશા છે.