08 July, 2025 09:17 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા સોમવારે મહત્વનો નિર્ણય લેવાયો છે. ટ્રમ્પે હવે બહુ જ મોટું વ્યાપારી પગલું ભર્યું છે. તેઓએ ૧૪ દેશો પર આયાત દર એટલે કે ટૅરિફ થોપવાની (Donald Trump Tariff) જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણય બાદ કયા દેશોને અસર થશે અને ભારતનું નામ આ લિસ્ટમાં છે કે નહીં તે અંગે આપણે વિસ્તારથી વાત કરીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા કુલ ૧૪ જેટલા દેશો પર ટૅરિફ લાદવામાં (Donald Trump Tariff) આવ્યો છે. આ મામલે તેઓએ જે તે દેશોને લૅટર પણ મોકલ્યા છે. જેમાં તેમને અમેરિકી સરકારના ટૅરિફ અંગેના નિર્ણયથી અવગત કરાવવામાં આવ્યા છે.
ભારત માટે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી
રિપોર્ટ પ્રમાણે હાલમાં અમેરિકાએ એશિયામાં તેના બે મુખ્ય સહયોગી દેશ એવા જાપાન અને દક્ષિણ કોરિયાની આયાત પર પણ ૨૫ ટકા ટૅરિફ મૂક્યો છે. જોકે ભારત માટે આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ભારત સાથે આ મામલે બહુ જ જલ્દી નિર્ણય લેવાઈ શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે (Donald Trump Tariff) વ્હાઇટ હાઉસમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા ભારત સાથે વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં જ છે. અમેરિકાનું આ બયાન એવે સમયે આવ્યું છે જ્યાં એકબાજુ ટ્રમ્પે ૧૪ દેશોને નવા ટૅરિફ દર અંગે લૅટર મોકલ્યા છે. આ નવા દર ૧લી ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં રહેશે.
ગયા મહિને ભારતીય અધિકારીઓએ અમેરિકામાં આ મુદ્દે ચર્ચા કરી હતી
ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રેડ વૉર ચાલી રહ્યું છે. ગત મહિને ભારતીય અધિકારીઓએ આ મુદ્દે ચોક્કસ નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવા માટે વૉશિંગ્ટનમાં અમેરિકી પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરી હતી. જોકે, ટ્રમ્પે એપ્રિલમાં ભારતીય સામાન પર ૨૬ ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેને ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવ્યો હતો.
કયા કયા દેશો માટે આ નવા ટૅરિફ દર લાગુ કરવામાં આવ્યા છે?
ડૉનલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાજેતરમાં જે ૧૪ દેશોને લૅટર મોકલ્યા છે તેના સ્ક્રીનશોટ શૅર (Donald Trump Tariff) કર્યા છે. આ લિસ્ટમાં જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, કઝાકિસ્તાન, લાઓસ, દક્ષિણ આફ્રિકા, ટયુનીશિયા, બોસ્નિયા, હર્જેગોવિના, સર્બિયાનો સમાવેશ થાય છે. લૅટરમાં ટૅરિફ દર ૨૫ ટકાથી 40 ટકાસુધી ગોઠવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જાપાન અને દક્ષિણ કોરિયા પર ૨૫ ટકા, મ્યાનમાર અને લાઓસ પર ૪૦ ટકા અને બાંગ્લાદેશ અને સર્બિયા પર ૩૫ ટકા ટૅરિફ લાદવામાં આવ્યો છે.