30 October, 2025 11:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ક્યારે શું બોલશે અને કરશે એનો અંદાજ કોઈ લગાવી શકતું નથી. અત્યાર સુધી ભારતને ટૅરિફના નામે ધમકાવવાની અને ડરાવવાની કોશિશ કરનારા ટ્રમ્પના સૂર હવે બદલાયા છે. બુધવારે સાઉથ કોરિયામાં એશિયા પૅસિફિક ઇકૉનૉમિક કોઑપરેશન (APEC) CEO સમિટમાં ભાગ લેવા પહોંચેલા ડોનલ્ડ ટ્રમ્પે મંચ પરથી ભારતના વડા પ્રધાન માટે પ્રશંસાનાં ફૂલો વેરવાનું કામ કર્યું હતું. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી તેલ લેવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ટૅરિફ રહેશે જ એવી ધમકી આપનારા ટ્રમ્પે ગઈ કાલે જાહેર કર્યું હતું કે ‘હું ભારત સાથે બહુ જલદી ટ્રેડ-ડીલ કરવાનો છું. વડા પ્રધાન મોદી માટે મને બહુ સન્માન અને લગાવ છે. અમારી વચ્ચે બહુ સારા સંબંધો છે. મોદી સૌથી સરસ દેખાનારા માણસ છે, પણ જબરદસ્ત કિલર છે. બહુ જ ટફ અને જિદ્દી.’
જોકે ભારત સાથેની ટ્રેડ-ડીલની જાહેરાત સાથે પાકિસ્તાનને પણ ખરાબ ન લાગી જાય એ માટે મોદીની પ્રશંસાનાં તોરણો બાંધવાની સાથે વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાનને પણ સાચવી લેતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના વડા પ્રધાન પણ એક મહાન વ્યક્તિ છે. તેમની પાસે એક ફીલ્ડ-માર્શલ છે જે ગ્રેટ ફાઇટર છે.’
ટ્રમ્પ શેખી ન કરે તો કેમ ચાલે?
અનેક વાર ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પોતે રોકાવ્યું છે એનું શ્રેય લેવાની કોશિશ કરીને ઊંધા માથે ખોટા પડી ચૂક્યા હોવા છતાં ફરીથી સાઉથ કોરિયામાં તેમણે પોતાની એ જ શાંતિ સ્થાપવાની શેખી ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે હું લગાતાર વડા પ્રધાન મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન સાથે સંપર્કમાં હતો. જ્યારે મને ખબર પડી કે બન્ને દેશો વચ્ચે સાત વિમાન તોડી પાડવામાં આવ્યાં છે ત્યારે મેં બન્નેને ફોન કર્યો. મોદીને મેં કહ્યું કે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ટ્રેડ-ડીલ નહીં થાય, અમે તમારી સાથે વેપાર નહીં કરી શકીએ કેમ કે તમે પાકિસ્તાન સાથે યુદ્ધ કરી રહ્યા છો. પછી મેં પાકિસ્તાનને ફોન કર્યો અને કહ્યું કે તમે ભારત સાથે લડી રહ્યા છો એટલે તમારી સાથે પણ વેપારસોદો નહીં થાય. બન્નેએ કહ્યું કે ના, અમને લડવા દો. મારી વાતચીતના બે દિવસ પછી યુદ્ધ રોકાઈ ગયું. મેં જે કામ કર્યું એ પ્રેસિડન્ટ બાઇડન કદી ન કરી શકત.’