25 March, 2026 10:19 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દુબઈમાં ક્રેડિટ કાર્ડથી પ્રૉપર્ટી ખરીદનારા કેટલાક ભારતીયોની તપાસ કરવામાં આવી રહી છે. આર્થિક ગુનાઓની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે જેમણે દુબઈમાં ઘર ખરીદવા માટે ઇન્ટરનૅશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમને દુબઈમાં પ્રૉપર્ટી ખરીદવા માટે નાણાં ક્યાંથી આવ્યાં અને કેવી રીતે ચુકવણી કરી એની જાણકારી આપવા કહેવામાં આવ્યું હતું. ઘણી વ્યક્તિઓ દુબઈ ગઈ હતી અને તેમનાં કાર્ડ સ્વાઇપ કર્યાં હતાં અથવા ઑનલાઇન પેમેન્ટ લિન્ક્સ દ્વારા ચુકવણી કરી હતી.
વાસ્તવિક સમસ્યા ચુકવણીની પદ્ધતિમાં રહેલી છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચુકવણીને લોન ગણવામાં આવે છે. ભારતીય નિયમો અનુસાર વિદેશમાં પ્રૉપર્ટી ખરીદવા માટે પૈસા ઉધાર લઈને મોકલવાની મંજૂરી નથી. આનો અર્થ એ છે કે પૈસા તમારી પોતાની કમાણીમાંથી હોવા જોઈએ, ઉધાર લીધેલા નહીં.