08 September, 2026 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
ફ્રાન્સના સુપ્રસિદ્ધ એફિલ ટાવર પર ભારતીય ધાર્મિક સંસ્થા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પ્રતિનિધિમંડળની મુલાકાતને પગલે મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ સર્જાયો છે. મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને ફરજ પરથી હટાવવા અને `અદ્રશ્ય` રહેવા દબાણ કરાયાના ગંભીર આક્ષેપો બાદ કર્મચારીઓએ હડતાળ પાડી હતી. ફ્રાન્સના રાજકીય નેતાઓ અને પેરિસ વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાની આકરી ટીકા કરવામાં આવ્યા બાદ, BAPS સંસ્થાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે અને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી છે.
પેરિસ નજીક નિર્માણ પામેલા હિન્દુ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા BAPSના આશરે ૧૦૦ સભ્યોના પ્રતિનિધિમંડળે એફિલ ટાવરની મુલાકાત લીધી હતી. ટાવરનું સંચાલન કરતી કંપની SETEના કર્મચારી યુનિયને આરોપ લગાવ્યો હતો કે, આ મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફને તેમની નિયુક્ત જગ્યાઓ પરથી હટી જવા અને પુરુષ સ્ટાફને તૈનાત કરવા જણાવાયું હતું. SETE મેનેજમેન્ટે પણ સ્વીકાર્યું હતું કે આવી શરતો સ્વીકારવી ભૂલભરેલી હતી અને તે ફ્રાન્સના સ્ત્રી-પુરુષ સમાનતાના મૂલ્યો વિરુદ્ધ છે. પેરિસના મેયર અને ફ્રાન્સના સમાનતા મંત્રી ઓરોર બર્જેએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરીને તપાસની માંગ કરી હતી.
આ ઘટના સામે આવતાં જ ફ્રાન્સના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ફ્રાન્સના સમાનતા મંત્રી ઓરોર બર્જેએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ફ્રેન્ચ પ્રજાસત્તાકમાં કોઈપણ ધર્મ કે અંગત વિચારધારા દેશના કાયદા અને મહિલાઓના બંધારણીય અધિકારોથી ઉપર હોઈ શકે નહીં. બીજી તરફ, સંસદના વરિષ્ઠ સભ્યો અને પેરિસ વહીવટીતંત્રે ટાવરનું સંચાલન કરતી કંપની સામે તપાસની માંગ કરી હતી કે જાહેર મિલકત પર આવા ભેદભાવપૂર્ણ નિયમોને મંજૂરી કેવી રીતે આપવામાં આવી. સેંકડો પર્યટકો ટિકિટ હોવા છતાં ટાવર બંધ રહેતાં અટવાઈ પડ્યા હતા, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફ્રાન્સની ધર્મનિરપેક્ષતા અને કાર્યસ્થળે સ્ત્રી સન્માનના મુદ્દે ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
ચારે તરફથી થયેલા વિરોધ અને વિવાદ બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થા (ફ્રાન્સ) દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે. સંસ્થાએ જણાવ્યું હતું કે:
"શનિવારે અમારા પ્રતિનિધિમંડળની મુલાકાત સંદર્ભે એફિલ ટાવરના સ્ટાફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ અને ત્યારબાદ મીડિયામાં થયેલા અહેવાલો અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થા સ્થિતિ સ્પષ્ટ કરવા માંગે છે. અમારા પ્રતિનિધિમંડળમાં આશરે ૧૦૦ જેટલા સભ્યો સામેલ હતા. જૂથનું કદ મોટું હોવાથી, સ્ટાફ, અન્ય મુલાકાતીઓ તેમજ સ્મારકની સામાન્ય કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી એફિલ ટાવરની મેનેજમેન્ટ ટીમ સાથે અગાઉથી સંકલન સાધીને નિયમિત સમય શરૂ થાય તે પહેલાં આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, આ આયોજન ટાવરની કામગીરી અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ કર્મચારી કે સામાન્ય જનતાને અગવડ ન પડે. કોઈપણ તબક્કે આ વ્યવસ્થા લિંગ (સ્ત્રી-પુરુષ ભેદભાવ) આધારિત વિનંતી નહોતી અને તેની વિરુદ્ધનો કોઈપણ દાવો અમારા સત્સંગ મંડળ કે પ્રતિનિધિમંડળના મૂલ્યો અને ભાવનાને પ્રતિબિંબિત કરતો નથી. BAPS લિંગ, પૃષ્ઠભૂમિ કે માન્યતાના ભેદભાવ વિના સમાનતા, પરસ્પર આદર અને માનવ સેવાના સિદ્ધાંતો પ્રત્યે દ્રઢપણે પ્રતિબદ્ધ છે, જે અમારા આધ્યાત્મિક વારસાના કેન્દ્રમાં છે અને વિશ્વભરમાં અમારા સામુદાયિક કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. અમારી જાણકારી મુજબ, આ મુલાકાત દરમિયાન કોઈપણ મુલાકાતી કે સ્ટાફ સભ્યને સ્મારકમાં પ્રવેશતા રોકવામાં આવ્યા નહોતા. તેમ છતાં, એફિલ ટાવરના કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને અમે અત્યંત ગંભીરતાથી લઈએ છીએ. અમારા જૂથની મુલાકાત માટે થયેલી વ્યવસ્થાઓના પરિણામે કર્મચારીઓને જે કોઈ મુશ્કેલી કે અસ્વસ્થતા થઈ હોય, તે બદલ અમે દિલથી ખેદ વ્યક્ત કરીએ છીએ."
સંસ્થાએ ઉમેર્યું હતું કે તેઓ એફિલ ટાવરના કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓને ગંભીરતાથી લે છે. આ આયોજનથી કર્મચારીઓને જે કોઈ મુશ્કેલી કે અસ્વસ્થતા થઈ હોય, તે બદલ સંસ્થા દિલથી ખેદ અને દિલગીરી વ્યક્ત કરે છે તેમજ સમગ્ર મામલે મેનેજમેન્ટ સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે.