11 September, 2026 11:06 AM IST | Britain | Gujarati Mid-day Correspondent
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ગુરુવારે બ્રિટિશ પાર્લામેન્ટમાં કૉમનવેલ્થ પબ્લિક લીડરશિપ રેકગ્નિશન અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને બ્રિટનના ઉપલા સભાગૃહ હાઉસ ઑફ લૉર્ડ્સમાં ગઈ કાલે ‘કૉમનવેલ્થ પબ્લિક લીડરશિપ રેકગ્નિશન’ અવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. એ વખતે તેમણે તેમની સ્પીચની શરૂઆત ‘નમસ્કાર-જય મહારાષ્ટ્ર, જય ભવાની, જય શિવાજી અને ભારત માતા કી જય’ સાથે કરી હતી. જોકે એ પછી તેમણે કૉન્ફિડન્સ સાથે ઇંગ્લિશમાં સ્પીચ આપી હતી.
મુંબઈ અને લંડન બન્ને મહત્ત્વનાં ફાઇનૅન્શિયલ સેન્ટર હોવાનું જણાવીને એકનાથ શિંદેએ કહ્યું હતું કે ફિનટેક, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ડીપ ટેક અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રોમાં મહારાષ્ટ્ર-બ્રિટનને કો-ઑપરેશન માટે સારી તક છે. તેમણે અબ્દુલ કલામને યાદ કરીને કહ્યું હતું કે ‘અબ્દુલ કલામે સરકાર લોકોની સેવા માટે બની હોવાનું કહ્યું હતું. હું પણ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર (DCM) છું, પણ મારા માટે DCMનો અર્થ ડેડિકેટેડ ટુ કૉમન મૅન થાય છે. હું કૉમન મૅન છું.’
લોકોપયોગી કાર્યો કરવા બદલ મળેલો આ અવૉર્ડ મહારાષ્ટ્રની ૧૨ કરોડની જનતાનું સન્માન છે એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે આ અવૉર્ડનું શ્રેય મહાયુતિ સરકારના મુખ્ય કલ્યાણકારી કાર્યક્રમો, ખાસ કરીને મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના અને શાસન આપલ્યા દારી યોજનાને આપ્યો હતો.