13 February, 2026 09:24 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્ક
‘ફૉર્બ્સ 250’ની યાદીમાં ઈલૉન મસ્કને અમેરિકાના ગ્રેટેસ્ટ ઇનોવેટર તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમને વિવિધ ઉદ્યોગોમાં પાંચ અબજ ડૉલરની કંપનીઓ બનાવનારી ઇતિહાસની એકમાત્ર વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ લિસ્ટમાં મસ્ક બાદ ટૉપ-ફાઇવમાં જેફ બેઝોસ, બિલ ગેટ્સ, જ્યૉર્જ લુકાસ અને જેન્સેન હુઆંગનો સમાવેશ છે. ભારતીય મૂળના અબજોપતિ અને સન માઇક્રોસિસ્ટમ્સના સહસ્થાપક વિનોદ ખોસલા દસમા ક્રમે છે.
ફૉર્બ્સ મૅગેઝિને વિવિધ ઉદ્યોગોમાં પાંચ અબજ ડૉલરની કંપનીઓના નિર્માણ અથવા સ્કેલિંગમાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે જે એક સિદ્ધિ છે, જેને તેમણે ઐતિહાસિક રીતે અજોડ ગણાવી છે. ફૉર્બ્સે જણાવ્યું હતું કે ‘મસ્ક ઇતિહાસમાં એકમાત્ર વ્યક્તિ છે જેમણે પાંચ કંપનીઓ ટેસ્લા, સ્પેસઍક્સ, ન્યુરાલિન્ક, ઍક્સ AI અને ધ બોરિંગની સ્થાપના કરી છે અથવા એમનો વિકાસ કર્યો છે જે દરેક હવે અબજો ડૉલરમાં મૂલ્ય ધરાવે છે અને અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે. આ કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનો, ખાનગી અવકાશ સંશોધન, બ્રેઇન-કમ્પ્યુટર ઇન્ટરફેસ ટેક્નૉલૉજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને અન્ડરગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવરી લે છે.’