10 January, 2026 01:10 PM IST | Texas | Gujarati Mid-day Correspondent
ઈલૉન મસ્કને અલગ-અલગ પાર્ટનરથી કુલ ૧૪ સંતાન છે
વિશ્વનો સૌથી અમીર માણસ ઈલૉન મસ્ક ફરી એક વાર સમાચારમાં છે. જોકે આ વખતે કોઈ ટેક પ્રોજેક્ટ કે રાજનીતિનાં નિવેદનો માટે નહીં, તેનાં સંતાનો સાથેની તસવીર માટે સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.
ઈલૉન મસ્કે એક પોસ્ટ શૅર કરી છે એમાં તેની સાથે તેનાં દીકરા-દીકરીનો ફોટો પણ છે. આ પોસ્ટમાં મસ્કે બન્ને સંતાનોનાં નામ પણ લખ્યાં છે અને એ નામ કોના પરથી રાખવામાં આવ્યાં છે એની માહિતી પણ આપી છે. આ કારણે અત્યારે સોશ્યલ મીડિયા પર ‘શેખર’ નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. મસ્કના દીકરાનું નામ સ્ટ્રાઇડર શેખર અને દીકરીનું નામ કૉમેટ એઝર છે. મસ્કે જણાવ્યું હતું કે વિશ્વવિખ્યાત ઇન્ડિયન સાયન્ટિસ્ટ સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી દીકરાના નામમાં શેખર શબ્દ ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુબ્રમણ્યમ ચંદ્રશેખરને ૧૯૮૩માં ફિઝિક્સમાં નોબેલ અવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત સ્ટ્રાઇડરની મમ્મી અને મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસનાં મૂળ પણ ભારતનાં છે. દીકરીના નામ વિશે ઈલૉન મસ્કે જણાવ્યું હતું કે એલ્ડન રિંગ (મસ્કની ફેવરિટ વિડિયોગેમ)માં સૌથી પાવરફુલ સ્પેલ (જાદુઈ શક્તિ)ના નામ પરથી એનું નામ રાખવામાં આવ્યું છે.