ઈલૉન મસ્ક પહેલાં મંગળ પર નહીં, ચંદ્ર પર શહેર બનાવશે

10 February, 2026 09:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

મૂન પર પહોંચવાનું સહેલું છે એટલે ૧૦ વર્ષમાં આ કામ થઈ જશે, મંગળ પર માણસો મોકલવાનું ૨૦ વર્ષમાં સંભવ બનશે

ઈલૉન મસ્ક

ઇલેક્ટ્રિક કાર ટેસ્લા અને અવકાશ કંપની સ્પેસએક્સના સ્થાપક ઈલૉન મસ્કે આગામી ૧૦ વર્ષમાં ચંદ્ર પર શહેર બનાવવાની પોતાની યોજના શૅર કરી છે. આ દિગ્ગજ ઉદ્યોગપતિએ પોતે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે મંગળ ગ્રહ કરતાં ઓછા સમયમાં ચંદ્ર પર શહેર બનાવી શકાય છે. જોકે તેમણે અગાઉ મંગળ ગ્રહ પર શહેર બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ હવે પહેલાં ચંદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

ચંદ્ર પર શહેર ક્યારે વસાવવામાં આવશે એનો ખુલાસો કરતાં ઈલૉન મસ્કે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘જે લોકો જાણતા નથી તેમના માટે. સ્પેસએક્સે ચંદ્ર પર સેલ્ફ-ગ્રોઇંગ શહેર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે આપણે આ ૧૦ વર્ષથી ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકીએ છીએ, જ્યારે મંગળ પર એ ૨૦ વર્ષથી વધુ સમય લેશે.’

ઈલૉન મસ્કે અગાઉ જણાવ્યું હતું કે તેઓ ૨૦૫૦ સુધીમાં મંગળ પર ૧૦ લાખ લોકોનું એક આત્મનિર્ભર શહેર વિકસાવશે. મંગળની ઘાતક ઠંડી અને ઝેરી હવાથી માનવોને બચાવવા માટે તેઓ સૌપ્રથમ ટેસ્લાના ઑપ્ટિમસ હ્યુમનૉઇડ રોબોને ત્યાં ઉતારવાની યોજના ધરાવે છે. 

ચંદ્ર પર દર ૧૦ દિવસે અવકાશયાન મોકલાશે. ઈલૉન મસ્કના મતે તેમની કંપની મંગળ પર મનુષ્યોને મોકલવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચંદ્ર પર માણસોને મોકલવાનું કામ ઝડપી છે. તેમણે કહ્યું હતું કે ‘આપણે દર ૧૦ દિવસે ચંદ્ર પર અવકાશયાન મોકલી શકીએ છીએ, જેમાં મુસાફરીનો સમય લગભગ બે દિવસનો હોય છે. આનાથી વિપરીત મંગળ પરનું મિશન ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે.’

મંગળયાત્રા કેટલી લાંબી?

મંગળ ગ્રહ પરની મુશ્કેલી વિશે ઈલૉન મસ્કે વધુમાં કહ્યું હતું કે ‘મંગળ પર મુસાફરી ફક્ત ૨૬ મહિને શક્ય બને છે અને વળી એમાં અવકાશયાનને ૬ મહિનાનો પ્રવાસ કરવાનો રહે છે. સ્પેસએક્સનું મિશન તારાઓ સુધી માનવજીવન વધારવાનું છે.’

international news world news elon musk social media technology news tech news