09 March, 2026 09:28 AM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)માં રહેતા ભારતીયો માટે અબુ ધાબીમાં આવેલા ભારતીય દૂતાવાસે નવી ઍડ્વાઇઝરી અને કડક નિયમો જાહેર કર્યાં છે, જેમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ અને ચેતવણી દરમ્યાન સુરક્ષિત રહેવાની સલાહનો સમાવેશ થાય છે. ભારતીય દૂતાવાસે UAEમાં રહેતા એના લાખો નાગરિકોની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. UAEમાં રહેતા ભારતીયોને સતર્ક રહેવા અને સ્થાનિક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. યુદ્ધની પરિસ્થિતિમાં એક નાની બેદરકારી પણ મોટી સમસ્યાનું કારણ બની શકે છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે સ્થાનિક વહીવટી તંત્ર સલામતી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરી શકે છે, તેથી સાવધાની એ જ વાસ્તવિક સુરક્ષા છે.
દૂતાવાસે કડક સૂચનાઓ જાહેર કરી છે કે કોઈ પણ પ્રતિબંધિત વિસ્તાર, ઍરપોર્ટ અથવા સંવેદનશીલ સ્થાનો પર ફોટોગ્રાફી હવે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે ફોટોગ્રાફ્સ કે વિડિયો લેવા કરતાં કોઈનો જીવ બચાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વહીવટી તંત્ર આવા પ્રતિબંધિત વિસ્તારોમાં કૅમેરા કે મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તૈયાર છે.