ભારતથી આવેલી ૫૨૭ ફૂડ-પ્રોડક્ટ્સમાં કૅન્સરજન્ય એથલીન ઑક્સાઇડ

27 April, 2024 02:42 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

યુરોપિયન યુનિયન ફૂડ સેફ્ટી અધિકારીઓનો ચોંકાવનારો ખુલાસો : યુરોપિયન યુનિયને ૮૭ શિપમેન્ટને સરહદે રોકી દીધાં અને બીજી પ્રોડક્ટ‍્સને બજારમાંથી પાછી ખેંચાવડાવી

પ્રતીકાત્મક તસવીર

યુરોપિયન યુનિયનના ફૂડ સેફટી અધિકારીઓએ એક ચોંકાવનારા ખુલાસામાં જણાવ્યું છે કે ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનાથી ૨૦૨૪ના એપ્રિલ મહિના સુધી ભારતથી આયાત કરવામાં આવેલી ફૂડ-પ્રોડક્ટ્સ પૈકી ૫૨૭ ફૂડ-પ્રોડક્ટ્સમાં કૅન્સરજન્ય પદાર્થ એથલીન ઑક્સાઇડના અંશ જોવા મળ્યા છે. આ અઠવાડિયે સિંગાપોર અને હૉન્ગકૉન્ગે પણ ભારતીય મસાલા ઉત્પાદકો MDH અને એવરેસ્ટ મસાલાની ચાર પ્રોડક્ટ્સમાં આ કેમિકલના ઉપયોગની જાણકારી આપીને એના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

યુરોપમાં એથલીન ઑક્સાઇડની પર્મિસિબલ માત્રા ૦.૧ મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ છે, પણ ભારતીય ઉત્પાદનોમાં એનાથી વધારે માત્રામાં આ કેમિકલ જોવા મળ્યું હતું. આ રિપોર્ટ મળ્યા બાદ યુરોપિયન યુનિયને બૉર્ડર પર ૮૭ શિપમેન્ટને રોકી દીધાં હતાં. બીજી પ્રોડક્ટ્સને બજારમાંથી રીકૉલ કરવામાં આવી હતી.

જેમાં એથલીન ઑક્સાઇડની માત્રા વધારે પ્રમાણમાં મળી છે એમાં નટ્સ અને તલની ૩૧૩ આઇટમો, હર્બ અને સ્પાઇસિસની ૬૦ આઇટમો, ડાયેટિક ફૂડની ૪૮ આઇટમો અને ૩૪ અન્ય આઇટમોનો સમાવેશ છે. ૫૪ આઇટમો એવી હતી જેને ઑર્ગેનિક કહીને વેચવામાં આવી હતી.

એથલીન ઑક્સાઇડ એક પ્રકારનો રંગ વગરનો ગૅસ છે જેનો ઉપયોગ વસ્તુઓને સાફ કરવા, લાંબા સમય સુધી એને પ્રિઝર્વ કરવા અને સ્ટરિલાઇઝિંગ એજન્ટના રૂપમાં વપરાય છે. જોકે આ કેમિકલને કૅન્સરજન્ય કેમિકલની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, કારણ કે લાંબા સમય સુધી એના સંસર્ગમાં રહેવાથી કૅન્સર થવાની શક્યતા વધી જાય છે.

european union food and drug administration europe india international news