લંડનથી યુરોપ જતી યુરોસ્ટારની ટ્રેનો રદ, હજારો લોકો રઝળી પડ્યા

31 December, 2025 12:23 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

યુરોસ્ટારે અગાઉ મુસાફરોને મંગળવારે તેમની મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપી હતી

પ્રતીકાત્મક તસવીર

યુરોપની અગ્રણી રેલવે સર્વિસ કંપની યુરોસ્ટારે વીજળીપુરવઠાની સમસ્યા બાદ લંડનને પૅરિસ, ઍમ્સ્ટરડૅમ અને બ્રસેલ્સ અને યુરોપ સાથે જોડતી બધી ટ્રેનો સ્થગિત કરી દીધી હતી. ક્રિસમસ અને નવા વર્ષ વચ્ચેના ખૂબ જ વ્યસ્ત સમયગાળામાં આ વિક્ષેપ આવતાં લાખો લોકોને તેમના પ્લાન કૅન્સલ કરવા પડ્યા હતા. લંડનના સૅન્ટ પૅન્ક્રાસ સ્ટેશન પર લોકો રઝળી પડ્યા હતા.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘ચૅનલ-ટનલમાં વીજળીપુરવઠાની સમસ્યાને કારણે એક શટલ-ટ્રેન અંદર અટકી ગઈ હતી એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સૂચના સુધી બધી ટ્રેનો સ્થગિત કરવામાં આવી છે.’

યુરોસ્ટારે અગાઉ મુસાફરોને મંગળવારે તેમની મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપી હતી. ઑપરેટરે મુસાફરીની અંધાધૂંધી માટે ચૅનલ-ટનલમાં ઓવરહેડ પાવર-સપ્લાયમાં સમસ્યાને જવાબદાર ઠેરવી હતી. 

international news world news london paris europe