18 May, 2026 08:40 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના આક્રમણના ભય વચ્ચે ક્યુબામાં તૈયારીઓ ચાલી રહી છે. ક્યુબાના લોકોમાં અમેરિકન આક્રમણનો ભય રોજિંદા જીવનમાં અનુભવી શકાય છે. સ્થાનિકોમાં અમેરિકનો તૂટી પડશે એનો ભય સતત વર્તાય છે.
અમેરિકાએ ક્યુબા પર નાકાબંધી લાદી છે જેને કારણે વીજળીનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ઘણી વાર વીસથી બાવીસ કલાક વીજળી જતી રહે છે. દેશ આર્થિક સંકટમાં ફસાયેલો છે. ટ્રમ્પ પ્રશાસને હજી સુધી ક્યુબા પર આક્રમણ કરવા અંગે કોઈ ચોક્કસ વાત કહી નથી, પરંતુ સંકેતો મળી રહ્યા છે કે ટૂંક સમયમાં જ અમેરિકન આક્રમણ થઈ શકે છે.
અમેરિકાની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CIA)ના ડિરેક્ટર જૉન રેટક્લિફ ગયા અઠવાડિયે ક્યુબાની રાજધાની હવાના પહોંચ્યા હતા. CIAના ચીફની મુલાકાત આઘાતજનક છે. ક્યુબાના પ્રેસિડન્ટ મિગુએલ ડિયાઝ-કેનેલે મજૂર દિવસ પર જાહેરાત કરી હતી કે ‘અમે તૈયાર છીએ અને હું આ વાત સંપૂર્ણ ખાતરી સાથે કહું છું. મેં એ મારા પરિવાર સાથે શૅર કર્યું છે : અમે ક્રાન્તિ માટે અમારો જીવ પણ આપીશું.’
ક્યુબાની સરકારી મીડિયાએ લશ્કરી તાલીમ લઈ રહેલા નાગરિકોના ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા છે. આ એ યોજનાનો ભાગ છે જેને ફિડેલ કૅસ્ટ્રોએ સમગ્ર વસ્તીનું યુદ્ધ કહ્યું હતું. આ યોજના હેઠળ સરકારે નાગરિકોને પણ સશસ્ત્ર બનાવ્યા છે અને મોટા પાયે ગેરીલા યુદ્ધની તૈયારી કરી રહી છે. સરકારે નાગરિક ઘરોનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેનો ઉપયોગ યુદ્ધ દરમ્યાન ગેરીલા યુદ્ધ માટે થઈ શકે છે. ક્યુબાની તૈયારીઓ વિયેટનામ શૈલીના ગેરીલા યુદ્ધ પર આધારિત છે.