બુલ્ગેરિયામાં ચાલતી બસમાં ભભૂકી આગ, 45 લોકો બળીને ખાખ

23 November, 2021 06:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ બુલ્ગેરિયામાં મંગળવારે એક દુ:ખદ અકસ્માતની ઘટના ઘટી છે.

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ બુલ્ગેરિયામાં મંગળવારે એક દુ:ખદ અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં 45થી પણ વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 47 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બસમાં અચાનક આગ લાગવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં 12 બાળકો પણ સામેલ છે. 

આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ રાહત અને બચાવ ટીમોએ બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.

ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ઉત્તર મેસેડોનિયાના હતા. સ્થળને કોર્ડન કરી દેવામાં આવ્યું છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે બસમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટેકનિકલ ખામીના કારણે બસમાં અચાનક આગ લાગી હોવાની આશંકા છે. હાલ આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં 53 મુસાફરો સામેલ હતા

અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં ઉત્તર મેસેડોનિયન અને બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત સોફિયાથી 45 કિમી પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર થયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ 53 મુસાફરો સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા. તેમણે કહ્યું કે હાલ સાત લોકોની હાલત સ્થિર છે. આ લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. દાઝી ગયેલા લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે.

 

world news bulgaria