રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 8 લોકોના મોત 

20 September, 2021 02:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક મોટી ઘટના બની હતી.

પ્રતીકાત્મક તસવીર

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક મોટી ઘટના બની હતી. અહીં એક હથિયારધારી હુમલાખોરે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો. ગોળીબારનો અવાજ સાંભળીને ગભરાટ ફેલાયો હતો અને લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી કૂદવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોએ હુમલાખોરને ઠાર માર્યો છે. તેની ઓળખ તૈમુર બેકમાનસુરોવ તરીકે થઈ છે. જોકે, આ હુમલો કયા હેતુ માટે કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. સુરક્ષાદળોનું કહેવું છે કે હુમલાખોરનો ઈરાદો ખતરનાક હતો. કારણ કે તેની પાસેથી ખતરનાક હથિયારો મળી આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે છ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

TASS ન્યૂઝ એજન્સીએ તપાસ સમિતિના સત્તાવાર પ્રતિનિધિ સ્વેત્લાના પેટ્રેન્કોને ટાંકીને જણાવ્યું હતું કે, હુમલાખોરને પકડતી વખતે તે ઘાયલ થયો હતો. TASS ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, પર્મ પ્રદેશના ગવર્નર દિમિત્રી માખોનીને કહ્યું કે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 
TASS ન્યૂજ એજન્સી અનુસાર, ફાયરિંગ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ હુમલાખોરથી છુપાવવા માટે યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં પોતાને બંધ કરી દીધા હતા, જ્યારે અન્ય લોકો બારીઓમાંથી કૂદી પડ્યા હતા.  પર્મ સ્ટેટ યુનિવર્સિટી રાજધાની મોસ્કોથી લગભગ 1,300 કિમી દુર પૂર્વમાં આવેલી છે.

international news russia