હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ માટેની રેસમાં પાંચ ભારતીય-અમેરિકન રાજકારણીઓ

06 November, 2022 09:05 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના રાજકીય પંડિતોની વાત માનીએ તો આ તમામ ઉમેદવારોની જીત લગભગ પાકી જ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકામાં આઠમી નવેમ્બરે મધ્યસત્ર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ માટેની રેસમાં પાંચ અગ્રણી ભારતીય-અમેરિકન રાજકારણીઓ પણ છે. જો અમેરિકાના રાજકીય પંડિતોની વાત માનીએ તો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે આ તમામ ભારતીય-અમેરિકન ઉમેદવારોની જીત લગભગ પાકી જ છે. ચાર ઉમેદવારો અમી બેરા, રાજા ક્રિષ્નામૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ ફરીથી ચૂંટાઈ આવે એવી શક્યતા છે. આ ચારેય ડેમોક્રૅટિક પાર્ટીનાં છે. ભારતીય મૂળના બિઝનેસમૅન શ્રી થાનેદાર મિશિગનના ૧૩મા કૉન્ગ્રેશનલ જિલ્લાથી ચૂંટણી લડી રહ્યા છે.

મૅરિલૅન્ડ હાઉસ ઑફ ડેલિગેટ્સના ભૂતપૂર્વ સભ્ય ૫૭ વર્ષનાં અરુણા મિલર ડેમોક્રૅટિકની ટિકિટ પર રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર માટેની રેસમાં છે. રાજકીય પંડિતો અનુસાર તેમની જીત નક્કી છે. એવી સ્થિતિ​માં તેઓ મૅરિલૅન્ડમાં આ પદ પર ચૂંટાઈ આવનારા પ્રથમ ઇન્ડિયન-અમેરિકન બનશે.

દરમ્યાનમાં ડેમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સે આઠમી નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ભારતીય-અમેરિકનોને ​રીઝવવાના પ્રયાસ વધારી દીધા છે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ૪૩૫ ચૂંટાયેલા સભ્યો છે. 

international news india united states of america