H-1B વીઝામાં ફ્રૉડ થઈ રહ્યો હોવાનો અમેરિકાના ભૂતપૂર્વ કૉન્ગ્રેસમૅનનો દાવો

27 November, 2025 08:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જો વિશ્વભરમાં વર્ષે માત્ર ૮૫,૦૦૦ વીઝાની મર્યાદા નક્કી છે તો ભારતમાંથી માત્ર ચેન્નઈને ૨,૨૦,૦૦૦ H-1B વીઝા કેવી રીતે મળ્યા?

H-1B વીઝા સિસ્ટમ

અમેરિકાના અર્થશાસ્ત્રીના ગંભીર આરોપથી અમેરિકાથી લઈને ભારત સુધી હોબાળો મચ્યો

અમેરિકાના ભૂતપૂર્વ કૉન્ગ્રેસમૅન અને અર્થશાસ્ત્રી ડૉ. ડેવ બ્રેટે H-1B વીઝા સિસ્ટમમાં વ્યાપક છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. સ્ટીવ બેનનના વૉરરૂમ પૉડકાસ્ટમાં બોલતાં બ્રેટે કહ્યું હતું કે ‘H-1B વીઝા સિસ્ટમમાં ઇન્ડસ્ટ્રિયલ લેવલે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ભારતમાંથી વીઝા આપવાની કાનૂની મર્યાદા ઓળંગાઈ ગઈ છે. ભારતના એક જિલ્લાએ દેશભરમાં કાયદેસર રીતે મંજૂર થયેલા વીઝા કરતાં બમણાથી વધુ વીઝા મેળવ્યા છે.’ 

ડૉ. ડેવ બ્રેટની આ કમેન્ટ્સના પગલે ભારતથી લઈને અમેરિકા સુધી હોબાળો મચી ગયો છે. ટ્રમ્પ પ્રશાસન H-1B વીઝા પર કડક કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે આવા આરોપના પગલે H-1B વીઝા કાર્યક્રમની પુન: સમીક્ષા થઈ શકે એમ છે.

આ મુદ્દે બ્રેટે કહ્યું હતું કે ‘૭૧ ટકા H-1B વીઝા ભારતમાંથી આવે છે અને ફક્ત ૧૨ ટકા ચીનથી આવે છે. આ બતાવે છે કે ત્યાં કંઈક ચાલી રહ્યું છે. ફક્ત ૮૫,૦૦૦ H-1B વીઝાની મર્યાદા છે, છતાં કોઈક રીતે ભારતના એક જિલ્લા મદ્રાસ (ચેન્નઈ)ને ૨,૨૦,૦૦૦ વીઝા મળ્યા છે. આ નક્કી કરાયેલી મર્યાદા કરતાં ૨.૫ ગણા વધારે છે એટલે એમાં કૌભાંડ દેખાઈ રહ્યું છે.’

બ્રેટ આ મુદ્દાને અમેરિકન કામદારો માટે સીધા ખતરાના રૂપમાં રજૂ કરે છે. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે આ લોકોમાંથી કોઈ આવે છે અને દાવો કરે છે કે તેઓ કુશળ કારીગર છે તો તેઓ કુશળ નથી, ત્યારે એ છેતરપિંડી છે. તેઓ તમારા પરિવારની નોકરી, તમારું ઘર એ બધું છીનવી રહ્યા છે.’

અહેવાલો અનુસાર ચેન્નઈમાં અમેરિકન કૉન્સ્યુલેટે ૨૦૨૪માં આશરે ૨,૨૦,૦૦૦ H-1B વીઝા અને ૧,૪૦,૦૦૦થી વધુ H-4 આશ્રિત વીઝા પર પ્રક્રિયા કરી હતી. કૉન્સ્યુલેટ તામિલનાડુ, કર્ણાટક, કેરલા અને તેલંગણ એમ ૪ રાજ્યોમાંથી આવતી અરજીઓનું સંચાલન કરે છે, જે એને વિશ્વનાં સૌથી વ્યસ્ત H-1B પ્રક્રિયા કેન્દ્રોમાંનું એક બનાવે છે.

બ્રેટે પોતાના આરોપોને સમર્થન આપવા માટે ભારતીય-અમેરિકન અમેરિકાના વિદેશ સર્વિસ ઑફિસર મહવશ સિદ્દીકીના દાવાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેણે ૨૦૦૫થી ૨૦૦૭ દરમ્યાન ચેન્નઈ કૉન્સ્યુલેટમાં કામ કર્યું હતું. સિદ્દીકીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ભારતમાંથી ૮૦થી ૯૦ ટકા H-1B વીઝા અરજીઓમાં નકલી દસ્તાવેજો હતા. તેણે જણાવ્યું હતું કે ૨૦૦૬-’૦૭ દરમ્યાન ૫૧,૦૦૦થી વધુ વીઝા અરજીઓનો તેણે નિર્ણય લીધો હતો અને હૈદરાબાદના અમીરપેટ વિસ્તારને તેણે છેતરપિંડીના હૉટસ્પૉટ તરીકે ઓળખાવ્યો હતો જ્યાં નકલી ડિગ્રીઓ અને દસ્તાવેજો વેચવામાં આવતાં હતાં.

international news world news united states of america donald trump