31 May, 2025 07:20 AM IST | France | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવું આપણે વાંચતાં ને સાંભળતા આવ્યા છીએ. જે લોકો સિગારેટનું સેવન કરે છે, તેમની સાથે સાથે આસપાસના લોકો માટે પણ ખતરો પેદા થાય છે. આ જ બાબતને ગંભીરતાથી લેતાં ફ્રાન્સની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય (France Ban Smoking) લીધો છે. એક અહેવાલ તો એવું પણ સૂચવે છે કે ફ્રાન્સમાં દર વર્ષે તમાકુ સંબંધિત રોગોને કારણે લગભગ 75,000 મૃત્યુ થાય છે. અને હવે જ્યારે ફ્રાન્સની સરકારે આ નિર્ણય લીધો છે તેને સહુ કોઈ વખાણી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ફ્રાન્સમાં ૧લી જુલાઇથી જાહેરમાં સ્મોકિંગ કરી શકાશે નહીં. ખુલ્લામાં સ્મોકિંગ કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફ્રાન્સમાં જાહેર વિસ્તારોમાં સ્મોકિંગ પર વ્યાપક પ્રતિબંધ (France Ban Smoking) મૂકવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ખાસ કરીને બીચ, ગાર્ડન, બસ સ્ટોપ્સ અને રમતગમતના સ્થળો કે જ્યાં વારંવાર બાળકો આવતાં-જતાં હોય છે. ત્યાં સ્મોકિંગ કરાશે નહીં. ફ્રાન્સના હેલ્થ એન્ડ ફેમિલી મિનિસ્ટર કેથરિન વૌટ્રીને ગુરુવારે જણાવ્યું હતું. "જ્યાં બાળકો હોય ત્યાં તમાકુ નાબૂદ થવું જ જોઈએ" એમ વોટ્રિને પ્રાદેશિક દૈનિક ઓવેસ્ટ-ફ્રાન્સને જણાવ્યું હતું. સિગારેટના ધૂમ્રના સંપર્કથી બાળકોને બચાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે સ્મોકિંગ કરવાની સ્વતંત્રતા ત્યાં અટકી જાય છે, કારણકે એનાથી પણ વિશેષ બાળકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો અધિકાર છે.
સ્કૂલો પાસે પણ નો સ્મોકિંગ
આ પ્રતિબંધ (France Ban Smoking) માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પણ લાગુ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાળા પરિસરની નજીક સ્મોકિંગથી દૂર રાખવાનો છે. કારણકે વારંવાર આરોગ્ય અધિકારીઓ અને વાલીઓ દ્વારા સ્મોકિંગ અંગેની ચિંતા ઉઠાવવામાં આવતી હોય છે.
જો નિયમ નહીં પાળો તો દંડ થઈ શકે છે
આ નવા નિયમ હેઠળ જાહેર સ્થળે સ્મોકિંગ કરતી કોઈપણ વ્યક્તિને 35 યુરો ($154) સુધીનો દંડ થઈ શકે છે.
શું ઇ-સિગારેટ પર પણ પ્રતિબંધ?
ફ્રાન્સની સરકારે એકબાજુ જ્યાં પબ્લિક પ્લેસ પર સ્મોકિંગ કરવાની મનાઈ (France Ban Smoking) કરી છે ત્યાં થોડીક છૂટ પણ આપી છે. જેમકે કૅફેની ટેરેસમાં આ નિયમ લાગુ પડતો નથી. વળી, આ પ્રતિબંધ ઈ-સિગારેટ પર પણ લાગુ થશે નહીં. તેનો અર્થ એ કે લોકો આ સ્થળોએ વેપ કરી શકશે.
આમ, સ્મોકિંગ પર કડક નિયંત્રણો માટે વધતા જાહેર સમર્થન વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરના એક જનમત સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે 62 ટકા ફ્રેન્ચ નાગરિકો જાહેર સ્થળોએ સ્મોકિંગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી રાજી થયાં છે.