દુબઈ અને UAEમાં ગણેશોત્સવની ધૂમ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે બાપ્પાનું આગમન

29 August, 2025 06:56 AM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

યુએઈમાં ઘણા ભારતીયો માટે, ગણેશ ચતુર્થી ઉજવવી એ ફક્ત એક તહેવાર જ નહીં, તે તેમના વારસા સાથે જોડાવાનો એક માર્ગ છે. મોદક જેવી પરંપરાગત મીઠાઈઓ તૈયાર કરવાથી લઈને આરતી વિધિ કરવા સુધી, પરિવારોએ ખાતરી કરી હતી કે દરેક બાબત ભારતના રિવાજો સાથે જ કરવામાં આવે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: મિડ-ડે)

યુનાયટેડ અરબ એમીરેટ્સમાં કરમાના ધમધમતા સજાવટ બજારોથી લઈને દુબઈના આનંદી રસ્તાઓ ખાતે પણ ભારતીયો ગણેશ ચતુર્થીની ઉજવણી પૂર્ણ ઉત્સાહથી કરી રહ્યા છે. ભારતથી અનેક માઈલ દૂર હોવા છતાં, આ તહેવાર પરિવારોને એકસાથે લાવે છે, તેમને ઘરની યાદ અપાવે છે અને સાથે સાથે યુએઈની જીવંતતાનો પણ આનંદ માણે છે.

ડેકોરેશન બજારોમાં ભીડ

ગણેશોત્સવના અઠવાડિયા પહેલા, કરમા અને બુર દુબઈના સ્થાનિક બજારોમાં ખૂબ જ લોકોની ભીડ જોવા મળી હતી. નાના અને મોટા બન્ને પ્રકારના ખરીદદારો તેમના ઘરોને શણગારવા માટે રંગબેરંગી સજાવટ, માળખા અને પરંપરાગત વસ્તુઓ માટે સ્ટૉલે પહોંચ્યા હતા. તમામ કદની ગણેશ મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવે છે, પરંતુ ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા એક સામાન્ય દૃશ્ય એ હતું કે ભક્તો બાપ્પાના ચહેરાને ઢાંકેલી મૂર્તિઓ લઈને જતા જોવા મળ્યા હતા.

ઢોલ તાશા અને ઉત્સવની શોભાયાત્રા

ભારતની જેમ, પરિવારો મૂર્તિઓને તેમના ઘરે લઈ જતા ઢોલ તાશાના અવાજથી શેરીઓ ગુંજી ઉઠી હતી. બાળકો અને સહિત દરેક ઉંમરના લોકો બાપ્પાના સ્વાગત માટે તેમાં જોડાયા હતા. આનંદ, ઉત્સાહ અને ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારાઓથી ભરપૂર આ મીની શોભાયાત્રા ભારતીય પરંપરાઓના સારને કેદ કરે છે, જે ડાયસ્પોરાને તેમના મૂળની યાદ અપાવે છે.

ઘરથી દૂર પરંપરાઓનું જતન

યુએઈમાં ઘણા ભારતીયો માટે, ગણેશ ચતુર્થી ઉજવવી એ ફક્ત એક તહેવાર જ નહીં, તે તેમના વારસા સાથે જોડાવાનો એક માર્ગ છે. મોદક જેવી પરંપરાગત મીઠાઈઓ તૈયાર કરવાથી લઈને આરતી વિધિ કરવા સુધી, પરિવારોએ ખાતરી કરી હતી કે દરેક બાબત ભારતના રિવાજો સાથે જ કરવામાં આવે. આ પ્રતિબદ્ધતા વિદેશમાં રહેતા હોવા છતાં પણ ભારતીયો તેમની સંસ્કૃતિ ફેલાવવા અને પરંપરાઓને જીવંત રાખવામાં જે ગર્વ અનુભવે છે તે દર્શાવે છે.

ગણપતિ વાઇબ્સ, દુબઈ સ્ટાઇલ

સોશિયલ મીડિયા પરના વીડિયોમાં ઉત્સવના ઉત્સાહને સુંદર રીતે કૅમેરામાં કેદ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર વોકિંગ લેન્સે ઉજવણીના વીડિયો શૅર કર્યા અને તેને ‘ગણપતિ વાઇબ્સ, દુબઈ સ્ટાઇલ’ એમ કૅપ્શન આપ્યું. દુબઈમાં બાપ્પાના આગમનના વીડિયો અને તસવીરો મુંબઈ કે પુણેની શેરીઓની યાદ અપાવે છે, જે દર્શાવે છે કે ભારતીય સમુદાયે દુબઈમાં ભારતનો એક ભાગ કેવી રીતે ફરીથી બનાવ્યો છે. બજારોમાં ડેકોરેશનની ખરીદી કરવાથી લઈને ઉત્સાહી શોભાયાત્રાઓ અને હૃદયસ્પર્શી ધાર્મિક વિધિઓ સુધી, UAE માં ગણેશ ચતુર્થી વિદેશમાં રહેતા ભારતીયોના પ્રેમ, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો પુરાવો છે, જે સાબિત કરે છે કે અંતર ક્યારેય ઉત્સવની ભાવનાને નબળી પાડી શકતું નથી.

dubai united arab emirates ganpati ganesh chaturthi viral videos