ગુના, ભ્રષ્ટાચાર અને સરકારી નીતિઓ સામે મેક્સિકોમાં જેન-ઝીનું આંદોલન ફરીથી શરૂ

17 November, 2025 10:51 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

મિચોકાન શહેરના મેયરની જાહેરમાં હત્યાથી યુવાનોમાં રોષ, પ્રેસિડન્ટ ક્લાઉડિયા શીનબામનું રાજીનામું માગ્યું, સત્તાપલટો કરવા માટે યુવાનો રસ્તા પર ઊતર્યા

જેન-ઝી યુવાનો મોટા પ્રમાણમાં રસ્તા પર ઊતર્યા હતા

મેક્સિકોમાં ગુના, ભ્રષ્ટાચાર અને સરકારી નીતિઓ સામે શનિવારે મોટા પાયે પ્રદર્શનો શરૂ થયાં હતાં અને જેન-ઝી યુવાનો મોટા પ્રમાણમાં રસ્તા પર ઊતર્યા હતા. પહેલી નવેમ્બરે મિચોકાન રાજ્યના ઉરુઆપન શહેરના મેયર આલ્બર્ટો માન્ઝો રૉડ્રિગ્ઝની જાહેરમાં હત્યાથી યુવાનોમાં રોષ ફેલાયો હતો. જેન-ઝીના વિરોધમાં વિરોધ પક્ષોના વૃદ્ધ કાર્યકરો પણ સામેલ થયા હતા. 

જાહેર કાર્યક્રમમાં મેયરની હત્યા
પહેલી નવેમ્બરે મેક્સિકોમાં ડેડ ડે ઉજવણી દરમ્યાન એક કાર્યક્રમમાં મેયર કાર્લોસ આલ્બર્ટો માન્ઝો રૉડ્રિગ્ઝ ભીડને સંબોધી રહ્યા હતા ત્યારે તેમની ૭ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર બાદ તરત જ મેયરને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. મિચોકાનને મેક્સિકોનાં સૌથી હિંસક રાજ્યોમાંનું એક માનવામાં આવે છે અને લાંબા સમયથી આ વિસ્તાર વર્ચસ્વ માટે વિવિધ ગૅન્ગો અને ડ્રગ-તસ્કરો વચ્ચે ઝઘડાનું સ્થળ રહ્યો છે.

મેક્સિકો સિટીમાં પ્રેસિડન્ટ ક્લાઉડિયા શીનબામના નિવાસસ્થાનની આસપાસનાં બૅરિકેડ્સ તોડીને યુવાનો તોફાને ચડ્યા હતા. આના પગલે પોલીસ તહેનાત કરવામાં આવી હતી. પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરતાં ભીડ ઉશ્કેરાઈ હતી.  યુવાનો પ્રેસિડન્ટનું રાજીનામું માગી રહ્યા હતા.

૧૦૦ પોલીસ ઘાયલ, ૨૦ની ધરપકડ
મેક્સિકો સિટીના જાહેર સલામતી સચિવ પાબ્લો વાઝક્વેઝે એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘૧૦૦ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે, જેમાંથી ૪૦ને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૨૦ નાગરિકો પણ ઘાયલ થયા છે. ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ૨૦ લોકો પર વહીવટી ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.’ 

લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે?
યુવાનો પ્રેસિડન્ટ ક્લાઉડિયા શીનબામ પર ડ્રગ કાર્ટેલ સાથે સાઠગાંઠનો આરોપ લગાવી રહ્યા છે. ક્લાઉડિયા શીનબામ અમેરિકન નીતિઓ વિરુદ્ધ પગલાં લેવા અને વેનેઝુએલા સાથે ઊભા રહેવા માટે જાણીતા છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ વિરુદ્ધ બોલવા માટે પણ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આના પગલે તેમના વિરોધમાં યુવાનો આંદોલન કરીને તેમને સત્તા પરથી હટાવવા માગે છે. 

international news world news mexico Crime News