25 September, 2026 02:17 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયોએ બુધવારે યુનાઇટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલી (UNGA)માં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદ જેવા સળગતા પ્રશ્નો ઉકેલવામાં વૈશ્વિક વ્યવસ્થા વામણી પુરવાર થઈ છે. રુબિયોએ કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય સિસ્ટમ સક્ષમ હોત તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ક્યારનો અંત આવી ગયો હોત, પરંતુ આ વ્યવસ્થા પોતાના મૂળ હેતુથી જ ભટકી ગઈ છે.
રુબિયોએ સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી અમેરિકા માત્ર પોતાનાં રાષ્ટ્રીય હિતોને જ પ્રાથમિકતા આપશે. અગાઉ ડોનલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે તેમણે વૉશિંગ્ટનની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે યુદ્ધવિરામ કરાવ્યો હતો.
જોકે ભારત ટ્રમ્પના આ દાવાને અને ત્રીજા પક્ષની મધ્યસ્થીને સતત ફગાવતું અને નકારતું રહ્યું છે. ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાન સાથેનો યુદ્ધવિરામ બન્ને દેશોના લશ્કરના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચેની સીધી વાતચીતનું જ પરિણામ છે અને કાશ્મીર સંપૂર્ણપણે દ્વિપક્ષીય મુદ્દો હોવાથી એમાં કોઈ દેશ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાની દખલગીરી મંજૂર નથી.