દુર્ગાપૂજા દરમિયાન બંગલા દેશમાં કોમી હિંસા : ૩ મૃત્યુ, ૬૦ ઈજાગ્રસ્ત

15 October, 2021 09:28 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

અનેક પંડાળોમાં થઈ તોડફોડ, મૂર્તિઓને ખંડિત કરવામાં આવી , જમાત એ ઇસ્લામીનો હાથ હોવાની આશંકા

બંગલા દેશના કમિલા વિસ્તારમાં એક મંદિરમાં તેમજ દુર્ગાપૂજા માટે બનાવવામાં આવેલા પંડાલમાં કરવામાં આવેલી તોડફોડ (તસવીર : એ.એફ.પી.)

બંગલા દેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગાપૂજાની ઉજવણી દરમિયાન ફાટી નીકળેલી કોમી હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. દુર્ગાપૂજાના દિવસે સોશ્યલ મીડિયા પર ખોટા ભડકાઉ મેસેજ વાઇરલ થયા હોવાથી કટ્ટરપંથીઓનાં ટોળાં હિન્દુ મંડપો-મંદિરોમાં ધસી આવ્યાં હોવાથી આ હિંસા સર્જાઈ હતી. અનેક પંડાળોમાં તોડફોડ થઈ હતી તેમ જ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ પાછળ બંગલા દેશની કટ્ટરવાદી સંસ્થા જમાત એ ઇસ્લામીનો હાથ હોવાની આશંકા છે.

બુધવારે બંગલા દેશમાં હિન્દુઓના સૌથી મોટા તહેવાર દુર્ગાપૂજાની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી હતી એ દરમિયાન ચાંદપુર જિલ્લાના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજ અને શિબગંજ વગેરે વિસ્તારોમાં ધાર્મિક કટ્ટરવાદીઓનાં જૂથો મંડપો તરફ ધસી આવ્યાં હતાં. તાત્કાલિક પોલીસ આવી હોવા છતાં કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો.

પોલીસ અને કટ્ટરપંથીઓ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. પ્રશાસન દ્વારા અમુક વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

international news bangladesh