15 January, 2026 02:58 PM IST | America | Gujarati Mid-day Correspondent
જેન્સ-ફ્રેડરિક નીલસન.
ગ્રીનલૅન્ડને કોઈ પણ ભોગે ખરીદીને પોતાના નિયંત્રણમાં લેવા માટે મથતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની સામે ગ્રીનલૅન્ડે સ્પષ્ટ વલણ ફરીથી દોહરાવ્યું છે. ગ્રીનલૅન્ડ અને ડેન્માર્કના વડા પ્રધાને સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ કરીને ચાલી રહેલા વિવાદ વિશે સ્પષ્ટતા કરી હતી. ગ્રીનલૅન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલસને ટ્રમ્પને જવાબમાં રોકડું પરખાવતાં કહ્યું હતું કે ‘ગ્રીનલૅન્ડ વેચાવા નથી નીકળ્યું અને એ અમેરિકાનો હિસ્સો બનવા નથી ઇચ્છતું. ગ્રીનલૅન્ડ વર્ષોથી ડેન્માર્કનો હિસ્સો હતું, છે અને નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન્સ (NATO)માં પૂરો ભરોસો ધરાવે છે. અમે અમેરિકન બનવા નથી ઇચ્છતા. અમે ડેનિશ પણ નથી બનવા માગતા. અમે ગ્રીનલૅન્ડર જ રહેવા માગીએ છીએ. ગ્રીનલૅન્ડનું ભવિષ્ય અહીંના લોકો દ્વારા જ નક્કી થશે.’
ટ્રમ્પે ગ્રીનલૅન્ડના લોકોને એક લાખ ડૉલર આપવાની લાલચ આપી હતી એ વાતનો જવાબ આપતાં જેન્સ-ફ્રેડરિક નીલસને કહ્યું હતું કે ગ્રીનલૅન્ડ બિકાઉ નથી એટલે કોઈ દેશ એને ખરીદી નહીં શકે કે ન તો એને નિયંત્રિત કરી શકશે.
ગ્રીનલૅન્ડ પર કબજો કરવા વિશે ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ
હજી રવિવારે જ અમેરિકાના એક સંસદસભ્યે ગ્રીનલૅન્ડને અમેરિકામાં સમાવીને એકાવનમા રાજ્યનો દરજ્જો આપવાના બિલની રજૂઆત કરી હતી, પણ આ મંતવ્ય તમામ અમેરિકન સંસદસભ્યોનું નથી. મંગળવારે સરકાર અને વિપક્ષ બન્ને પાર્ટીના કેટલાક સંસદસભ્યોએ મળીને એક એવું બિલ રજૂ કર્યું હતું જે ટ્રમ્પને NATO સહયોગી દેશ ગ્રીનલૅન્ડ પર કબજો કરવાથી રોકે.
આ બિલ ડેમોક્રૅટિક પાર્ટીના સેન જીન શાહીન અને રિપબ્લિકન પાર્ટીના સેન લિસા મુર્કોવ્સ્કીએ રજૂ કર્યું હતું. શાહીને કહ્યું હતું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ NATO સહયોગીના વિસ્તાર પર કબજો કરવાથી સીધેસીધું NATO ગઠબંધનને નબળું પાડે છે જે અમેરિકનોને સુરક્ષિત રાખે છે. આ બિલ એક સાફ સંદેશ આપે છે કે ગ્રીનલૅન્ડને લઈને હાલમાં ચાલી રહેલી બયાનબાજીઓ અમેરિકાની પોતાની નૅશનલ સિક્યૉરિટીના હિતને નબળી પાડે છે.’