03 May, 2026 09:36 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ૧૬ વર્ષથી ગેરકાયદે રીતે રહેતા એક ગુજરાતી બિઝનેસમૅનને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS) દ્વારા ૧.૮ મિલ્યન ડૉલર (આશરે ૧૫ કરોડ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે. અંતિમ દેશનિકાલના આદેશનું પાલન ન કરવા માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે. તે ૨૦૧૦માં મેક્સિકો થઈને અમેરિકામાં પ્રવેશ્યો હતો. ત્યાર બાદ પત્ની અને બાળકોને પણ આ માર્ગે અમેરિકામાં લઈ આવ્યો હતો.
એપ્રિલમાં જાહેર કરાયેલી નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વર્ષો પહેલાં દેશનિકાલનો આદેશ આપવામાં આવવા છતાં આ વ્યક્તિએ જાણીજોઈને અમેરિકા છોડવાનો ઇનકાર કર્યો હતો. આદેશનું પાલન ન કરવાના સમયગાળા દરમ્યાન દંડની ગણતરી પ્રતિ દિવસ ૯૯૮ ડૉલર (આશરે ૯૪,૦૦૦ રૂપિયા) કરવામાં આવી છે.
આ વ્યક્તિ ૨૦૧૦માં અમેરિકા-મેક્સિકો સરહદ દ્વારા અમેરિકામાં પ્રવેશી હતી અને તેના પ્રવેશ પછી તરત જ તેની અટકાયત કરવામાં આવી હતી. જોકે અઠવાડિયામાં જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ એ પછીના વર્ષે તેને અંતિમ દેશનિકાલનો આદેશ આપવામાં આવ્યો હતો.
જોકે એ સમયે ઘણા સ્થળાંતર કરનારાઓની જેમ તે કથિત રીતે ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયો હતો અને દેશમાં જ રહેવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષોથી તેણે અનેક વ્યવસાયો સ્થાપ્યા હતા. બે વર્ષ પહેલાં તેણે અમેરિકાના વીઝા માટે અરજી કરી હતી. ચોક્કસ ગુનાઓના પીડિતોને આવા વીઝા આપવામાં આવે છે, જે હેઠળ તે હાલમાં માન્ય વર્ક પરમિટ અને સામાજિક સુરક્ષા નંબર ધરાવે છે.
આ અરજી પેન્ડિંગ અરજી હોવા છતાં DHSએ હવે લાંબા સમયથી થયેલા ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને તેને દંડ ફટકાર્યો છે. નોટિસમાં જણાવાયું છે કે તે અમેરિકન નાગરિક નથી અને તે અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે પણ અધિકૃત નથી.
તેને અપીલ કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો આ આદેશ અંતિમ ગણવામાં આવશે અને વસૂલાતની કાર્યવાહી થઈ શકે છે.