21 September, 2026 01:17 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
હુતી ફાઇટર્સના હુમલા બાદ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક ધુમાડો જોવા મળ્યો હતો.
યમનના હુતી ફાઇટર્સે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર બૅલિસ્ટિક મિસાઇલથી હુમલો કરતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધી ગયું છે. આના પગલે ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે અને હવાઈ મુસાફરી ખોરવાઈ છે. શનિવારે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીક ધુમાડો જોવા મળ્યા બાદ ત્યાંથી આવતી-જતી ફ્લાઇટ્સની કામગીરી ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ રદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ સુરક્ષા અલર્ટ જારી કર્યું છે.
રિયાધમાં વિસ્ફોટ સંભળાયો
સાઉદી અરેબિયાએ શુક્રવારે રાત્રે સમગ્ર દેશમાં શ્રેણીબદ્ધ કટોકટીની ચેતવણીઓ જારી કરી હતી.શનિવારે રિયાધમાં ઓછામાં ઓછો એક વિસ્ફોટ સંભળાયો હતો અને ઍરપોર્ટ નજીક રહેતા લોકોએ સવારના ભાગે કાળા ધુમાડાના મોટા ગોટેગોટા જોયા હોવાનું જણાવ્યું હતું. સાઉદી સત્તાવાળાઓએ કોઈ જાનહાનિ કે નુકસાન થયાની માહિતી આપી નથી. જુલાઈમાં યમનમાં હુતી ફાઇટર્સ સાથે સંઘર્ષ તીવ્ર બન્યા બાદ રિયાધમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી હોય એવી આ પ્રથમ ઘટના હતી.
મિસાઇલ તોડી પાડી
યમનના હુતીઓ સામે લડી રહેલા સાઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત જૂથે શનિવારે પરોઢિયે રિયાધ પર બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી અને એને અટકાવવામાં આવી હતી અને એનો નાશ કરવામાં આવ્યો હતો. ગઠબંધન દળોના પ્રવક્તા મેજર-જનરલ તુર્કી અલ-મલિકીએ શનિવારે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે હુતીઓએ બાયસ, તાઈફ, ફરાસાન અને યાન્બુમાં નાગરિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો; હવાઈ સંરક્ષણ દ્વારા હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.
બીજી તરફ હુતી પ્રવક્તા યાહ્યા સરીએ કહ્યું હતું કે જૂથ દ્વારા સાઉદી અરેબિયા પર ડ્રોન સાથે અનેક બૅલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી હતી. રિયાધ અને સાઉદી તેલ કંપની અરામકોના યાનબુ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.
હુતી ફાઇટર્સે પાકિસ્તાન અને ટર્કીને યમનના સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે જો તેઓ સાઉદી અરેબિયાના સમર્થનમાં હુમલા કરશે તો તેમને સાઉદી અરેબિયા જેવો જ જવાબ મળશે. આ ચેતવણી પાકિસ્તાન અને ટર્કીનાં જાહેર નિવેદનો પછી આવી છે જેમાં મક્કા સંરક્ષણ કરાર લાગુ કરવાની શક્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યમનના જૂથ અંસાર અલ્લાહને હુતી તરીકે પણ ઓળખવામાં આવે છે, એના વરિષ્ઠ અધિકારી મોહમ્મદ અલ-બુખૈતીએ જણાવ્યું હતું કે ‘જો ઇસ્લામાબાદ અથવા અંકારા દ્વારા કોઈ લશ્કરી હસ્તક્ષેપ કરવામાં આવશે તો બન્ને દેશોને ગંભીર અને તાત્કાલિક જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. અમે તેમના પર ખૂબ જ કઠોર હુમલો કરીશું. જેમ અમે સાઉદી અરેબિયાને પાઠ ભણાવી રહ્યા છીએ એમ અમે તેમને પાઠ ભણાવીશું.’