ઈરાન સામેના યુદ્ધમાં માત્ર ૪ મહિનામાં ૩૧૭૩ અબજ રૂપિયાનો ખર્ચ અને હથિયારોની ભારે અછત

16 September, 2026 03:08 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

પેન્ટાગૉનના રિપોર્ટ મુજબ અમેરિકાને અબજો રૂપિયાનું નુકસાન થયું છે અને ઈરાનના હુમલામાં સેંકડો ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે

મસૂદ પેઝેશ્કિયન અને ડોનાલ્ડ ટ્રંપ (સૌજન્ય : મિડ-ડે)

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પેન્ટાગૉનના તાજેતરના રિપોર્ટ અનુસાર ૨૮ ફેબ્રુઆરીથી ૨૯ જૂન સુધીના ૪ મહિનાના ગાળામાં અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં કુલ ૩૧૭૩ અબજ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો, જેમાંથી ૨૧૧૮.૫ અબજ રૂપિયા માત્ર હથિયારો પાછળ ખર્ચવામાં આવ્યા છે. આટલા મોટા પાયે હથિયારોના વપરાશને કારણે અમેરિકામાં હથિયારોની ભારે અછત ઊભી થઈ છે અને સપ્લાય-ચેઇનમાં અવરોધો આવ્યા છે.
પેન્ટાગૉનના નિરીક્ષકોના રિપોર્ટમાં જણાવાયું હતું કે ઈરાનના હુમલાઓને કારણે અખાતના દેશોમાં આવેલાં અમેરિકાનાં લશ્કરી થાણાંઓની સેંકડો ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં અમેરિકાની ડિપ્લોમૅટિક સુવિધાઓને અંદાજે ૧૭૪૮ કરોડ રૂપિયાનું ભૌતિક નુકસાન થયું છે. આ ઉપરાંત ચાર ફાઇટર જેટ, સાત હેલિકૉપ્ટર અને ૩૦થી વધુ ડ્રોન નાશ પામ્યાં હતાં. 
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકાના ૧૮ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૪૦૦થી વધુ સૈનિકો ઘાયલ થઈ ચૂક્યા છે. 

united states of america iran world news international news