ઝોહરાન મમદાની અને ડોનલ્ડ ટ્રમ્પની મુલાકાત કેવી રહી?

23 November, 2025 12:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અપેક્ષા કડાકાભડાકાની હતી, જોકે તણખા પણ ન ઝર્યા

શુક્રવારે વાઇટ હાઉસમાં મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડોનલ્ડ ટ્રમ્પ અને ન્યુ યૉર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાની.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ન્યુ યૉર્ક શહેરના મેયર-ઇલેક્ટ ઝોહરાન મમદાનીને શુક્રવારે વાઇટ હાઉસમાં મળ્યા હતા. મેયરની ચૂંટણી વખતે બન્ને નેતાઓએ એકબીજા વિશે આરોપ-પ્રત્યારોપ અને કટ્ટરતા દેખાડી હતી એ જોઈને વાઇટ હાઉસમાં તણખા ઝરતા જોવા સહુ તૈયાર હતા, પરંતુ જ્યારે બન્ને મીડિયા સામે સાથે આવ્યા ત્યારે તેમની કેમિસ્ટ્રી જોઈને લાગ્યું હતું કે તેઓ બહુ સારા દોસ્ત હોય. પત્રકારોના તીખા અને સીધા સવાલો પર બન્નેએ એકબીજાને બચાવતા હોય એવા જવાબો આપ્યા. 

મમદાની પર ‘પાગલ’, ‘સામ્યવાદી’ અને ‘તાનાશાહ’ જેવા શબ્દોનો ઉપયોગ કરનારા ટ્રમ્પની તેમની સાથેની મુલાકાત આશ્ચર્યજનક રીતે સારી રહી હતી. મમદાનીએ ટ્રમ્પને ચૂંટણીપ્રચાર વખતે ફાસીવાદી ગણાવ્યા હતા. જોકે બેઉ જણે આ મુલાકાતને ‘પ્રોડક્ટિવ’ ગણાવી હતી.

મમદાનીએ ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પને ‘ફાસીવાદી’ ગણાવ્યા હતા. આ વિશે એક પત્રકારે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેઓ જવાબ આપે એ પહેલાં જ ટ્રમ્પે દરમ્યાનગીરી કરી અને કહ્યું કે ‘ઠીક છે, તમે માત્ર હા કહી શકો છો, બરાબર? સમજાવવા કરતાં એ સરળ છે, મને વાંધો નથી.’ હળવા હૃદયની આ ક્ષણે ઓવલ ઑફિસમાં હાસ્ય ફેલાવી દીધું હતું.

ભારતમાં આવું જોવાનું વધુ પસંદ કરીશ: શશી થરૂર

કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે આ મુલાકાત પર પ્રતિક્રિયા આપતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘લોકશાહી આ રીતે કામ કરે છે, ભારતમાં પણ આવું થતું જોવાનું પસંદ કરીશ. ચૂંટણીમાં તમારા દૃષ્ટિકોણ માટે ઉત્સાહથી લડો, કોઈ પણ પ્રકારના ભાષણ કે સંયમ વિના; પરંતુ એક વાર ચૂંટણી પૂરી થઈ જાય અને લોકો બોલી જાય પછી તમે બન્નેએ જે રાષ્ટ્રની સેવા કરવાનું વચન આપ્યું હતું એના સામાન્ય હિતમાં એકબીજાને સહકાર આપવાનું શીખો.’

international news world news donald trump washington new york shashi tharoor