દુબઈ ઍરપોર્ટ પર ભારત આવનારા બે પ્લેન ટકરાતાં બચ્યાં, સેંકડોનો જીવ બચ્યો

15 January, 2022 11:55 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

અમિરાત ફ્લાઇટ શેડ્યુલ અનુસાર આ બન્ને ફ્લાઇટ્સના ડિપાર્ચર ટાઇમ વચ્ચે પાંચ મિનિટનો ગેપ હતો

પ્રતીકાત્મક તસવીર

દુબઈ ઍરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ભારત આવનારી અમિરાતની બે ફ્લાઇટ્સ સહેજ માટે ટકરાતાં બચી ગઈ હતી. આ ઘટના રવિવારે બની હતી, જેની તપાસ થઈ રહી છે. ઇકે-૫૨૪ દુબઈથી હૈદરાબાદ માટેની ફ્લાઇટે રાત્રે પોણા દસ વાગ્યે ટેક-ઑફ કરવાની હતી અને દુબઈથી બૅન્ગલોરની ઇકે-૫૬૮ ફ્લાઇટ પણ એની આસપાસ ટેક-ઑફ કરવાની હતી. કમનસીબે આ બન્ને પ્લેન ઉડાન ભરવા માટે એક જ રનવે પર આવી ગયાં હતાં.  
અમિરાત ફ્લાઇટ શેડ્યુલ અનુસાર આ બન્ને ફ્લાઇટ્સના ડિપાર્ચર ટાઇમ વચ્ચે પાંચ મિનિટનો ગેપ હતો.
આ ઘટનાક્રમ જાણતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘દુબઈથી હૈદરાબાદની ઇકે-૫૨૪ ફ્લાઇટ રનવે પર ટેક-ઑફ કરવા જઈ રહી હતી ત્યારે ક્રૂએ એ જ દિશામાં ખૂબ જ સ્પીડથી આવતું બીજું એક પ્લેન જોયું હતું. ઍર ટ્રાફિક કન્ટ્રોલે તાત્કાલિક આ પ્લેનને ઉડાન ભરતાં રોકી દીધું. ઍરક્રાફ્ટ સુર​ક્ષિત રીતે ધીમું પડી ગયું હતું અને રનવે ક્લિયર કરાયો હતો.’
ઍર ટ્રાફિક કન્ટ્રોલના હસ્તક્ષેપ બાદ બૅન્ગલોર જતી અમિરાતની ફ્લાઇટે ઉડાન ભરી હતી જ્યારે હૈદરાબાદ જતી અમિરાતની ફ્લાઇટ ટેક્સી બેમાં પાછી જતી રહી હતી અને થોડાક સમય પછી એણે ઉડાન ભરી હતી. હવે યુએઈના ઍર એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન સેક્ટર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. 

international news india dubai