૧૭૪ વર્ષનું દુનિયાનું સૌથી શક્તિશાળી ઝંઝાવાતી વાવાઝોડું જમૈકાને ધમરોળશે

29 October, 2025 12:41 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વાવાઝોડું મેલિસા જમૈકાના તટ પર ગમે ત્યારે ત્રાટકી શકે છે એવું નૅશનલ હરિકેન સેન્ટર (NHC)એ કહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

કૅરિબિયન સમુદ્રમાં અતિશય ઝડપે આગળ વધી રહેલું વિનાશકારી અને પાંચમી કૅટેગરીનું વાવાઝોડું મેલિસા જમૈકાના તટ પર ગમે ત્યારે ત્રાટકી શકે છે એવું નૅશનલ હરિકેન સેન્ટર (NHC)એ કહ્યું હતું.

જમૈકા ભારત કરતાં સાડાદસ કલાક પાછળ છે. NHCએ ગઈ કાલે બહાર પાડેલી ઍડ્વાઇઝરી મુજબ સ્થાનિક સમય મુજબ મંગળવારે બપોર સુધીમાં મેલિસા જમૈકાના તટો પર ત્રાટકવાનું હતું. એ સમયે પવનની ગતિ ૧૮૫ માઇલ પ્રતિ કલાક જેટલી ઝંઝાવાતી હશે અને વાવાઝોડાને કારણે તટો પર ૩૦ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આ પહેલાં કદી ન નોંધાયું હોય એટલું તીવ્ર વાવાઝોડું છે. એની અસરો અત્યારથી જ તટો પર દેખાવા લાગી છે અને જમૈકા, હૈતી અને ડૉમિનિકન રિપબ્લિકમાં મેલિકા વાવાઝોડાને કારણે ઑલરેડી સાત લોકો મૃત્યુ પામ્યા છે.

જમૈકાના વડા પ્રધાને લોકોને સેફ શેલ્ટરમાં આશ્રય લઈને પ્રભુને પ્રાર્થના કરવાની અરજ કરી છે. NHCનું કહેવું છે કે હાલત બહુ ઝડપથી ખરાબ થઈ રહી છે અને આજે આખો દિવસ પૂરા આઇલૅન્ડ પર વિનાશકારી અને ઝંઝાવાતી પવન, ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ માટે સૌએ તૈયાર રહેવું પડશે. 

વાવાઝોડું ક્યાં જશે?

જમૈકાના તટ પર તોફાન અથડાયા પછી એ આગળ વધીને બુધવારે ક્યુબા તરફ આગળ વધશે અને એ પછી ગુરુવારે બહામાસ‌ સુધી પહોંચશે. જોકે એ દરમ્યાન એની તીવ્રતા ઘટીને ૩ કે ૪ કૅટેગરીની થઈ જશે.

international news world news Weather Update cyclone