20 March, 2026 10:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ઇઝરાયલે ઈરાનમાં સાઉથ પાર્સ પર કરેલા હુમલા વિશે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે ઇઝરાયલે ગુસ્સામાં સાઉથ પાર્સ પર હિંસક પ્રહાર કર્યા હતા, અમેરિકા ઇઝરાયલના હુમલા વિશે કંઈ જાણતું નહોતું.
ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પરના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘મિડલ ઈસ્ટમાં જે બન્યું છે એના ગુસ્સામાં ઇઝરાયલે ઈરાનમાં સાઉથ પાર્સ ગૅસ ફીલ્ડ પર હિંસક હુમલો કર્યો હતો. સમગ્ર સેક્શનમાં એક નાનો ભાગ આ હુમલાનો ભોગ બન્યો હતો. અમેરિકા આ ચોક્કસ હુમલા વિશે કંઈ જાણતું નહોતું અને કતર દેશ કોઈ પણ રીતે, આકારમાં અથવા સ્વરૂપમાં એમાં સામેલ નહોતો કે એને કોઈ ખ્યાલ પણ નહોતો કે આ બનવાનું છે. કમનસીબે ઈરાનને આ ખબર નહોતી અથવા સાઉથ પાર્સ હુમલાને લગતી કોઈ પણ સંબંધિત હકીકતો નહોતી અને એણે કતરની LNG ગૅસ-સુવિધાના એક ભાગ પર ગેરવાજબી અને અન્યાયી રીતે હુમલો કર્યો હતો. ઇઝરાયલ દ્વારા આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન સાઉથ પાર્સ ફીલ્ડ પર વધુ કોઈ હુમલો કરવામાં આવશે નહીં જ્યાં સુધી ઈરાન મૂર્ખાઈથી એક ખૂબ જ નિર્દોષ પર હુમલો કરવાનું નક્કી ન કરે. આ કિસ્સામાં નિર્દોષ કતર પર હુમલો થયો છે. જો ઈરાન કોઈ મૂર્ખામી કરશે તો અમેરિકા ઇઝરાયલની મદદ અથવા સંમતિ સાથે અથવા એના વિના સમગ્ર સાઉથ પાર્સ ગૅસ ફીલ્ડને એટલી તાકાત અને શક્તિથી ઉડાવી દેશે જે ઈરાને પહેલાં ક્યારેય જોયું કે વિચાર્યું નથી. હું આ સ્તરની હિંસા અને વિનાશને મંજૂરી આપવા માગતો નથી, કારણ કે એની ઈરાનના ભવિષ્ય પર લાંબા ગાળાની અસરો પડશે; પરંતુ જો કતરના LNG પર ફરીથી હુમલો થશે તો હું એમ કરવામાં અચકાઈશ નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.’
ઇઝરાયલે સાઉથ પાર્સ ગૅસ ફીલ્ડ પર હુમલો કર્યો એની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ખબર નહોતી એવું તેમણે ટ્રુથ સોશ્યલ પોસ્ટમાં જણાવ્યું હતું, પણ ઇઝરાયલી મીડિયાએ વ્યાપકપણે અહેવાલ આપ્યો છે કે સાઉથ પાર્સ ગૅસ ફીલ્ડ પર હુમલો અમેરિકાની સંમતિથી કરવામાં આવ્યો હતો. અમેરિકન સમાચાર અને મીડિયા કંપની એક્સિઓસના રાજકીય પત્રકાર અને મિડલ ઈસ્ટના નિષ્ણાત બરાક રવિદે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે અમેરિકાને ફક્ત હુમલાની પૂર્વજાણકારી જ નહોતી, ઈરાન પર દબાણ લાવવા માટે પણ તેમણે મંજૂરી આપી હતી અને ઈરાને બદલો લીધા પછી તેઓ રસ્તો બદલી રહ્યા છે. ટ્રમ્પનાં નિવેદનોથી વિપરીત વરિષ્ઠ ઇઝરાયલી અને અમેરિકન અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકાને ઇઝરાયલી હુમલાની પૂર્વજાણકારી હતી અને ઈરાન પર દબાણ લાવવાના પ્રયાસમાં એને મંજૂરી પણ આપી હતી.