12 January, 2026 02:19 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના મિનેસોતામાં ટ્રમ્પ સરકાર સામે વિરોધ કરી રહેલા અમેરિકાવાસીઓ.
અમેરિકામાં ઇમિગ્રેશન એજન્ટે ૩૭ વર્ષની મહિલા રેની ગુડની ગોળી મારીને હત્યા કરી હતી. એને કારણે અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક શહેરોમાં ટ્રમ્પ સરકાર સામે પ્રદર્શનો શરૂ થયાં છે. વૉશિંગ્ટનથી લઈને અન્ય રાજ્યોમાં પણ ટ્રમ્પ સરકાર સામે પ્રદર્શન શરૂ થયું હતું.
સરકારના અધિકારીઓના કહેવા મુજબ ઇમિગ્રેશન અધિકારીઓ મહિલાની કાર પાસે પહોંચ્યા હતા. મહિલા તેની કાર લઈને આગળ વધી જતાં અધિકારીઓએ તેના પર ગોળી ચલાવી દીધી હતી. આ ઘટના પછી ટ્રમ્પ સામે મિનેસોતામાં ભારે તંગદિલી સર્જાઈ હતી. મિનેસોતાના ગવર્નર ટિમ વાલ્ડે કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પની સરકાર આ રીતે ભય પેદા કરીને હેડલાઇન સર્જે એવી ઍક્શન લે છે એનાથી લોકોના જીવ જાય છે. અહીં ટેલિવિઝનની સ્ટાઇલમાં સરકાર ચાલી રહી છે અને એની કિંમત લોકોએ જીવ આપીને ચૂકવવી પડે છે.’
લોકોનું કહેવું છે કે અધિકારીઓએ આ ગોળી આત્મરક્ષામાં નહીં, પરંતુ જાણીજોઈને હત્યા કરવા માટે જ ચલાવી હતી. આ ઘટના પછી અમેરિકામાં સિવિલ ઍક્ટિવિસ્ટો રોડ પર ઊતરી આવ્યા છે. રવિવારે અનેક સમૂહોએ રૅલી કાઢી હતી.