કોઈ પણ બહાના વિના હિન્દુઓનું રક્ષણ કરો

20 April, 2025 11:52 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં હિન્દુ નેતાની હત્યાના મામલે ભારતે બરાબરની ચોપડાવી

ભાબેશ ચંદ્ર રૉય

બંગલાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ નેતા ભાબેશ ચંદ્ર રૉયની નિર્દય હત્યાના મામલે ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બંગલાદેશની વચગાળાની સરકારને અલ્પસંખ્યકોના રક્ષણની જવાબદારીથી ભાગવાનું અને બહાનાં બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે ‘બંગલાદેશમાં હિન્દુ અલ્પસંખ્યક નેતા ભાબેશ ચંદ્ર રૉયના અપહરણ અને તેમની ક્રૂર હત્યાથી અમે દુખી છીએ. આ ઘટના બંગલાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો સામે વધતી જતી હિંસાની શ્રેણીનો ભાગ છે. બંગલાદેશની સરકાર અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે.​ અમે આ ક્રૂર હત્યાની નિંદા કરીએ છીએ અને ફરી એક વાર બંગલાદેશની વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈ પણ બહાનાં કે ભેદભાવ વિના હિન્દુઓ સહિત તમામ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી નિભાવે.’

બંગલાદેશની રાજધાની ઢાકાથી લગભગ ૩૩૦ કિલોમીટર દૂર આવેલા દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ૫૮ વર્ષના ભાબેશ ચંદ્ર રૉયનો મૃતદેહ ગુરુવારે રાત્રે મળી આવ્યો હતો. ભાબેશ ચંદ્ર રૉયને સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો હતો, જે ગુનેગારોએ ઘરમાં તેમની હાજરીની પુષ્ટિ કરવા માટે કર્યો હતો. લગભગ અડધા કલાક પછી ચાર માણસો બે બાઇક પર આવ્યા હતા અને તેમનું અપહરણ કરીને લઈ ગયા હતા; બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

અમેરિકાએ પોતાના નાગરિકોને બંગલાદેશ ન જવાની સલાહ આપી

બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદથી સ્થિતિ વણસી રહી છે અને યુનુસ સરકાર એને સંભાળવામાં નિષ્ફળ રહી છે. અવારનવાર લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેને પગલે અમેરિકાએ પોતાના લોકો માટે ટ્રાવેલ-ઍડ્વાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ પોતાના નાગરિકોને બંગલાદેશના કેટલાક જિલ્લાઓમાં ન જવાની ચેતવણી આપીને કહ્યું છે કે ત્યાં કોમવાદી અશાંતિ, આતંકવાદ અને રાજકીય હિંસાની ઘટનાઓ જોવા મળી છે.  

international news world news bangladesh india indian government