21 October, 2025 11:56 AM IST | United Kingdom | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફરી એક વાર ભારતની સ્પષ્ટતાથી ભડકી ઊઠ્યા છે. તેમણે ફરી કહ્યું હતું કે જ્યાં સુધી ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેમને ભારે ટૅરિફ ચૂકવવી પડશે. ભારતના વડા પ્રધાને આ બાબતે અમેરિકા સાથે કોઈ વાતચીત નથી કરી એવી સ્પષ્ટતા પછી પણ ટ્રમ્પે દોહરાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું છે કે ભારત હવે રશિયાનું તેલ નહીં ખરીદે. ટ્રમ્પના આ દાવા વિશે ભારતના વિદેશ મંત્રાલયે કરેલી સ્પષ્ટતા વિશે જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે ભારતે તો કોઈ પણ વાતચીત થયાનો ઇનકાર કરી દીધો છે એનું શું? ત્યારે ટ્રમ્પે કહ્યું કે ‘જો તેઓ એવું કહે છે તો પછી તેમણે ટૅરિફ આપવાનું ચાલુ રાખવું પડશે. જોકે એવું તેઓ નથી ઇચ્છતા. ભારતમાં ઇમ્પોર્ટ થતા કુલ ઑઇલમાંથી ત્રીજા ભાગનું ઑઇલ એ રશિયા પાસેથી લે છે જે યુક્રેન યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે.’
શું પાંચ દિવસ પછી થશે ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાત?
પાંચ દિવસ પછી મલેશિયાના ક્વાલા લમ્પુરમાં અસોસિએશન ઑફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની સમિટ મળવાની છે ત્યારે સવાલ ચર્ચામાં છે કે શું આ સમિટમાં ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાત થશે? સમિટના પાંચ દિવસ પહેલાંથી જ ભારત અને અમેરિકામાં રાજનીતિક ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. ૨૬ ઑક્ટોબરે ASEAN શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતના વડા પ્રધાન હાજર રહે એવી ઊંચી સંભાવનાઓ હોવાથી એવી વાતો ચર્ચામાં આવી રહી છે કે આ સંમેલન દરમ્યાન બન્ને નેતાઓ પણ આમનેસામને બેસશે. મલેશિયાએ તો પુષ્ટિ કરી દીધી છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સંમેલનમાં હાજર રહેવાના છે. જોકે વાઇટ હાઉસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. એવું જ ભારત સરકારે પણ હજી જાહેર કર્યું નથી