02 June, 2026 08:08 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને ઓમાન વચ્ચે કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ ઍગ્રીમેન્ટ (CEPA) પહેલી જૂનથી અમલમાં આવ્યું હતું, જેના પર બન્ને દેશોએ ૨૦૨૫ની ૧૮ ડિસેમ્બરે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ઓમાન ભારતને પહેલાં કરતાં વધુ પ્રમાણમાં પેટ્રોલિયમ અને ગૅસ સપ્લાય કરશે. ૯૯ ટકા ભારતીય માલ હવે ઓમાનમાં ડ્યુટી-ફ્રી મોકલી શકાશે. ઓમાનમાં રોકાણ કરતી ભારતીય કંપનીઓ હવે ભારતીય યુવાનો માટે રોજગારીની તકોને પ્રાથમિકતા આપશે.
પહેલા જ દિવસે દેશનાં વિવિધ બંદરો પરથી શૂન્ય નિકાસ-ડ્યુટી ધરાવતાં ૧૦ કન્ટેનર ઓમાન માટે રવાના થયાં હતાં. ભારત ઓમાન સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરનાર અમેરિકા પછી બીજો દેશ બન્યો છે.
આ સંદર્ભમાં કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ‘ઓમાન સાથેના CEPA કરારથી વિવિધ ખાડી દેશો તેમ જ પૂર્વ આફ્રિકન દેશોમાં ભારતીય માલસામાનના સરળતાથી શિપમેન્ટની સુવિધા મળશે. આ કરારથી કૃષિથી લઈને નાના અને મધ્યમ ઉદ્યોગો અને યુવાનો સુધીનાં ક્ષેત્રોને નોંધપાત્ર ફાયદો થશે. અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોમાં મંજૂર કરાયેલી ભારતીય જેનરિક દવાઓ આગામી ૯૦ દિવસમાં શૂન્ય ડ્યુટી પર ઓમાનમાં નિકાસ કરી શકાશે. એન્જિનિયરિંગ માલ, રત્નો અને ઝવેરાત, વસ્ત્રો, ચામડાની વસ્તુઓ, ઇલેક્ટ્રૉનિક્સ માલ, જેનરિક દવાઓ અને દરિયાઈ ઉત્પાદનો જેવા ભારતના સેક્ટરને CEPA થી લાભ મળશે.
ડીલમાં સર્વિસ સેક્ટરનો સમાવેશ
આ કરારમાં સર્વિસ સેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભારતીય પ્રોફેશનલોને ઓમાનમાં કામ કરવાની તક પૂરી પાડશે. આ કરાર હેઠળ ઓમાનમાં આયુષ કેન્દ્રો પણ ખોલવામાં આવશે. આ કરારથી ઓમાનમાં કુલ ભારતીય નિકાસમાં ૫૦ ટકાનો વધારો થવાની ધારણા છે. એન્જિનિયરોથી લઈને શિક્ષકો સુધી દરેકને તક મળશે. કરારમાં ૧૨૭ પ્રકારની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કમ્પ્યુટર સંબંધિત સેવાઓની સાથે વિવિધ પ્રકારના એન્જિનિયરો, આરોગ્ય-સંભાળ કાર્યકરો, શિક્ષકો, નાણાકીય સેવાનિષ્ણાતો, સંદેશવ્યવહાર અને પ્રવાસન વ્યાવસાયિકોને ઓમાનમાં કામ કરવાની તક મળશે. પ્રોફેશનલ કામ માટે જતા ભારતીયો ઓમાનમાં ૯૦ દિવસ અને સ્વતંત્ર પ્રોફેશનલો ૧૮૦ દિવસ રહી શકશે. કૉર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકો સતત ૪ વર્ષ સુધી ઓમાનમાં સેવા આપી શકશે.
કૃષિનિકાસમાં વધારો થશે
આ કરારમાં ડેરી અને કૃષિઉત્પાદનો જેવાં સંવેદનશીલ ઉત્પાદનો સામેલ નથી, પણ કૃષિનિકાસમાં વધારો થશે. મધ, કાજુ, બાસમતી ચોખા, માખણ, બિસ્કિટ, કેરી, બટાટા અને ડુંગળી જેવી વસ્તુઓ હવે ઓમાનમાં ડ્યુટી-ફ્રી નિકાસ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ જેવાં રાજ્યોને ઓમાનમાં કૃષિ અને પ્રોસેસ્ડ વસ્તુઓની નિકાસમાં વધારો થવાથી ફાયદો થશે.