પર્યાવરણને લઈને ભારતની પ્રતિબદ્ધતા એણે લીધેલાં પગલાં પરથી સાબિત થાય છે : મોદી

28 June, 2022 08:55 AM IST  |  Elmau | Gujarati Mid-day Correspondent

જર્મનીમાં યોજાયેલી જી-૭ દેશોની બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે સમૃદ્ધ દેશો ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં ભારતને મદદ કરશે

જી-૭ સમિટ દરમ્યાન વડા પ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોન

પર્યાવરણ પ્રત્યની ભારતની પ્રતિબદ્ધતા એની કામગીરી પરથી સ્પષ્ટ થાય છે એવું જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી આશા વ્યક્ત કરી હતી કે જી-૭ના સમૃદ્ધ દેશો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટેના ભારતના પ્રયાસોમાં મદદ કરશે અને દેશના ક્લીન એનર્જી ટેક્નૉલૉજીના વિશાળ બજારનો લાભ લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

જી-૭ સમિટના ઉજ્જવળ ભ​વિષ્ય માટે રોકાણ : ક્લાઇમેટ, એનર્જી અને હેલ્થના સેશનમાં મોદીએ કહ્યું હતું કે દેશે એની ઊર્જા જરૂરિયાતના ૪૦ ટકા જેટલી વીજળી નૉન-ફોસિલ સ્રોમાંથી મેળવવાના લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. પેટ્રોલમાં ૧૦ ટકા જેટલા ઇથનોલના મિશ્રણના લક્ષ્યાંકને પાંચ મહિના પહેલાં જ આંબ્યો છે. દેશમાં વિશ્વનું પહેલું માત્ર સોલર પાવરથી ચાલતું ઍરપોર્ટ છે.

આગામી એક દાયકામાં દેશની રેલવે સિસ્ટમ પણ સંપૂર્ણપણે નેટ ઝીરો થઈ જશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારત જેવો વિશાળ દેશ આવી મહત્ત્વાકાંક્ષા બતાવે તો અન્ય દેશો એમાંથી પ્રેરણા લેશે. જી-૭ દેશોએ સંશોધન, ઇનોવેશન અને ઉત્પાદન જેવા ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ. ટેક્નૉલૉજી સમગ્ર વિશ્વને પરવડી શકે એવી ભારત બનાવે છે. ગયા વર્ષે મેં લાઇફસ્ટાઇલ ફૉર એન્વાયર્નમેન્ટ નામક એક અભિયાન શરૂ કર્યું હતું જેનો હેતુ ઇકો-ફ્રેન્ડ્લી જીવનપદ્ધતિને પ્રોત્સાહન આપવાનો છે. આને ફૉલો કરનારાઓને અમે પ્રો પ્લેન્ટ પીપલ તરીકે ઓળખાવીએ છીએ.

international news narendra modi