ટૅરિફમાં બદલાવથી ભારત-અમેરિકા ટ્રેડ-ડીલ પરની બેઠક ટળી

23 February, 2026 09:32 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય અને ટ્રમ્પના ગ્લોબલ ૧૫ ટકા ટૅરિફ લાદ્યા પછી બદલાયેલા સંજોગોમાં બન્ને પક્ષે સમીક્ષા માટે વાટાઘાટોને પાછી ઠેલી, હવે ડિલ ડીલે થશે

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ-ડીલ પર ફાઇનલ ચર્ચા માટે ૨૩થી ૨૬ ફેબ્રુઆરી દરમ્યાન વૉશિંગ્ટનમાં બન્ને પક્ષોના અધિકારીઓની વચ્ચે બેઠક થવાની હતી જે હાલમાં મુલતવી રાખવામાં આવી છે. છેલ્લા ૭ મહિનાથી ચાલી રહેલી વેપારની વાટાઘાટો બાદ ભારતે ઓરિજિનલી ૧૮ ટકા ટૅરિફ આપવાનું ઠરાવાયું હતું, પરંતુ શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે મૂકેલી તમામ ટૅરિફ રદ કરી દીધી હતી. જોકે એ પછી ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ચોક્કસ કલમના આધારે ૧૫ ટકા ટૅરિફ ૨૪ ફેબ્રુઆરીથી લાગુ કરવાના નિર્દેશ પર સાઇન કરી હતી. આ સંજોગોમાં હવે અમેરિકા તરફથી ભારત પર ૧૫ ટકા ટૅરિફ લાગુ થશે, જે ડીલમાં નક્કી થયેલી ૧૮ ટકા કરતાં ઓછી છે. આને કારણે બન્ને પક્ષોએ નક્કી કર્યું છે કે આ બદલાવોની સમીક્ષા કરીને પછી ફરીથી મીટિંગ કરવાનો નવો સમય નક્કી કરવામાં આવે. આ બેઠક ટળી હોવાથી હવે ટ્રેડ-ડીલ સાઇન થવામાં મોડું થઈ શકે છે. પહેલાં માર્ચમાં આ ડીલ સાઇન થવાની હતી અને એપ્રિલ મહિનાથી એનો અમલ શરૂ થવાનો હતો.

ટ્રમ્પની ટૅરિફ પર પ્રતિબંધ મુકાતાં અમેરિકાના જ ટૉપ ઇકોનૉમિસ્ટ જેફરી સેક્સે સલાહ આપતાં કહ્યું હતું કે ‘ટ્રમ્પ પાસે ભારતને ધમકી આપવાનો કે ટૅરિફ લગાવવાનો અધિકાર નહોતો. હવે સુપ્રીમ કોર્ટના ‌નિર્ણય પછી ભારતે ટ્રેડ-ડીલ ખતમ કરી દેવી જોઈએ. હવે એનો કોઈ નવો મતલબ નથી.’

સુપ્રીમ કોર્ટમાં પ્રેસિડન્ટ વિરુદ્ધ કેસ લડનારા નીલ કાત્યાલે ટ્રમ્પને આપી ચૅલેન્જ

જો ટૅરિફ અમેરિકા માટે બહુ જ જરૂરી હોય તો સંસદમાં કેમ નથી જતા?

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જજોને એલફેલ બોલતા ટ્રમ્પે ફરીથી મનમાની કરીને ગ્લોબલ લેવલે ૧૫ ટકા ટૅરિફ જાહેર કરી દીધી અને કહ્યું હતું કે ટ્રમ્પ અમેરિકા માટે ખૂબ ફાયદેમંદ છે. આ વાતને પડકારતાં ટૅરિફના મુદ્દે અમેરિકાના પ્રેસિડન્ટ સામે દલીલો રજૂ કરનારા ભારતીય મૂળના અમેરિકન વકીલ નીલ કાત્યાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘તેમણે અમેરિકન જેવું કામ કરવું જોઈએ. જો ટૅરિફ એટલો જ સારો આઇડિયા છે તો તેમને સંસદને આ માટે મનાવવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ. આપણું સંવિધાન પણ મા‌ત્ર એટલી જ અપેક્ષા રાખે છે. તેઓ સંસદમાં રજૂઆત કરવાનું કેમ ટાળે છે?’

international news world news united states of america indian government donald trump washington