03 February, 2026 11:55 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી અને ડોનલ્ડ ટ્રમ્પની તસવીર
ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ (India US Trade Deal)ને લઈને હવે પ્રતિક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. કારણ કે અમેરિકી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલ ૫૦ ટકાની ટૅરિફ ઘટાડીને ૧૮ ટકા કરી નાખી છે. અગાઉ અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટૅરિફ લાદ્યો હતો. તેમાં 25% પારસ્પરિક ટૅરિફ અને 25% વધારાના ટૅરિફનો સમાવેશ થતો હતો. જે રશિયન તેલની ખરીદી પર ભારતીય પક્ષ પર લાદવામાં આવ્યો હતો. હવે, નવી ડીલ પ્રમાણે અમેરિકાએ રશિયન તેલ પર વધારાની 25 ટકા ટૅરિફ દૂર કરી છે. હવે માત્ર સુધારેલ પારસ્પરિક ટૅરિફ લાગુ થશે, જેનાથી કુલ દર ઘટીને 18 ટકા થઈ જશે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ (India US Trade Deal) થઈ ગઈ છે. જે હેઠળ હવે અમેરિકા ભારતીય ચીજવસ્તુઓ પર પારસ્પરિક ટૅરિફને ઘટાડીને 18 ટકા કરશે એમ યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા પછી જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "મને એ કહેતા ખરેખર આનંદ થાય છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે ૧૮ ટકાનો ઘટાડો (India US Trade Deal) કરવામાં આવ્યો છે. આજે મારા મિત્ર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત થઈ છે. ખુશીની વાત એ છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે ૧૮ ટકા ટૅરિફ ઘટાડવામાં આવવાનો છે. આ જાહેરાત માટે ભારતના ૧.૪ અબજ લોકો તરફથી હું ટ્રમ્પનો આભાર માનું છું" તેઓએ આગળ જણાવ્યું હતું કે જ્યારે બે મોટા અર્થતંત્રો અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે છે ત્યારે લોકોને ઘણો જ લાભ થતો હોય છે. વલી, પરસ્પર લાભદાયક સહકાર માટેની અપાર તકો પણ ખૂલે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. ભારત હંમેશાં શાંતિ માટેના તેમના પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરે છે "
સોશિયલ મીડિયા પર ટ્રમ્પની પોસ્ટમાં અન્ય ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યા વગર જ નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે તેઓ દ્વિપક્ષીય ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈઓ પર લઈ જવા માટે ટ્રમ્પ સાથે નજીકથી કામ કરવા માટે આતુર છે. આ સમગ્ર બાબતે ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સામે ટૅરિફ અને નોન ટૅરિફ અવરોધ (India US Trade Deal) ઘટાડીને શૂન્ય તરફ લઈ જવા પણ આગળ વધશે. ભારત સરકાર ૫૦૦ અબજ ડોલરથી વધુની ઊર્જા સહિત અમેરિકન ચીજવસ્તુઓ ખરીદશે.
અમેરિકન રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, "વડા પ્રધાન મોદી સાથેની મારી મિત્રતા અને તેમના પ્રત્યેના આદરને જોતાં તેમની વિનંતી મુજબ તાત્કાલિક અસરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે ટ્રેડ ડિલ માટે સંમત થયા છીએ. જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટૅરિફને ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરશે. એવી જ રીતે ભારત પણ યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેમના ટૅરિફ અને નૉન-ટૅરિફ અવરોધોને શૂન્ય સુધી લઈ જવા વિચાર કરશે.
ટ્રમ્પે (India US Trade Deal) પોસ્ટમાં આગળ જણાવ્યું છે કે, "મોદી અમેરિકાની ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને અન્ય ઘણા ઉત્પાદનો ઉપરાંત ૫૦૦ અબજ ડોલરથી વધુની અમેરિકન ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ પ્રતિબદ્ધ છે.ભારત સાથેના અમારા સારા સંબંધો આગળ જતાં વધુ મજબૂત બનશે."
નિષ્ણાતોનું માનવું છે કે આ ટૅરિફ ઘટાડાની સૌથી વધુ સકારાત્મક અસર રત્નો અને ઝવેરાત અને ફાર્મા ક્ષેત્રો પર જોવા મળશે. ભારતીય જેનેરિક દવાઓ અને પોલિશ્ડ હીરાનો સૌથી મોટો ખરીદદાર અમેરિકા છે. નીચા ટૅરિફથી આ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થશે, જેના કારણે યુએસ બજારમાં તેમની માંગમાં ભારે ઉછાળો આવવાની શક્યતા છે.