18 March, 2026 12:47 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી
વૉશિંગ્ટન દ્વારા નવા વૈશ્વિક ટૅરિફ-માળખાને અંતિમ સ્વરૂપ આપ્યા પછી જ ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપારકરારપર હસ્તાક્ષર કરવામાં આવશે એમ સરકારે ગઈ કાલે જણાવ્યું હતું. બન્ને પક્ષો કરારને ઔપચારિક રીતે પૂરો કરતાં પહેલાં વિકસિત અમેરિકન ટૅરિફ-રેજિમ પર ભારત સરકાર સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે.
આ સંદર્ભમાં કૉમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘ભારત અને અમેરિકા હાલમાં કરારની બારીક વિગતો પર ચર્ચા કરી રહ્યાં છે જે દર્શાવે છે કે વાટાઘાટો ચાલુ છે. અમે હાલમાં અમેરિકા સાથે વિગતો પર વાત કરી રહ્યા છીએ. નવી ટૅરિફ-રચના અમલમાં આવ્યા પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.’
ટ્રેડ-ડીલનો ઉદ્દેશ એકબીજાનાં બજારોમાં તુલનાત્મક અને પસંદગીની પહોંચ મેળવવાનો છે. ટ્રેડ-ડીલના પ્રથમ તબક્કા માટેનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે અમેરિકન માર્કેટમાં પ્રવેશતા ભારતીય માલ માટે પ્રસ્તાવિત ટૅરિફસ્તર લગભગ ૧૮ ટકા હતો જે અગાઉની ૫૦ ટકાની ટેરિફથી નીચે હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ દર ભારતને ચીન, વિયેટનામ અને થાઇલૅન્ડ જેવા ઘણા હરીફ નિકાસકારોની તુલનામાં સ્પર્ધાત્મક ફાયદા પર રાખશે. જોકે અંતિમ ટૅરિફસ્તર હજી પણ અમેરિકા એના વ્યાપક ટૅરિફ-આર્કિટેક્ચરને કેવી રીતે ફરીથી ડિઝાઇન કરે છે એના આધારે બદલાઈ શકે છે. જો અન્ય દેશો ૧૯, ૨૦ અથવા ૨૧ ટકાની ટૅરિફ સાથે સમાપ્ત થાય છે તો ભારત ૧૮ ટકા પર રહી શકે છે, પરંતુ જો અન્ય દેશો માટે ટૅરિફ ઘટાડવામાં આવે છે તો ભારતના દરમાં પણ ફેરફાર થઈ શકે છે.’