25 January, 2026 12:26 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent
મીમુ ડોગરા અને તેમનો પતિ વિજયકુમાર
અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યમાં કૌટુંબિક વિવાદને કારણે શુક્રવારે વહેલી સવારે ૨.૩૦ વાગ્યાની આસપાસ ૫૧ વર્ષના વિજયકુમાર નામના આરોપીએ તેની પત્ની અને ૩ અન્ય સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટના લૉરેન્સવિલના બ્રુક આઇવી કોર્ટ વિસ્તારમાં બની હતી. ઘટના સમયે ઘરમાં ૩ બાળકો પણ હાજર હતાં, જેઓ કબાટમાં છુપાઈ ગયાં હતાં અને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતાં. તેમણે જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે ઘરની અંદર ૪ પુખ્ત વયના લોકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા, જે બધાનાં મોત ગોળી વાગવાથી થયાં હતાં.
પોલીસે આરોપીની ઓળખ ઍટલાન્ટાના રહેવાસી વિજયકુમાર તરીકે કરી છે. જીવ ગુમાવનારી વ્યક્તિઓમાં વિજયકુમારની ૪૩ વર્ષની ભારતીય મૂળની પત્ની મીમુ ડોગરા, ૩૩ વર્ષના ગૌરવકુમાર, ૩૭ વર્ષની નિધિ ચંદેર અને ૩૮ વર્ષના હરીશ ચંદેરનો સમાવેશ થાય છે. વિજયકુમાર પર હત્યા, ઉગ્ર હુમલો અને બાળકો પ્રત્યે ક્રૂરતા સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પત્ની સાથે કોઈ વાતે વાદવિવાદ થયા પછી વિજયકુમારે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.
આ દુ:ખદ ઘટના વખતે ઘરમાં ૭, ૧૦ અને ૧૨ વર્ષનાં ૩ બાળકો હાજર હતાં. પોલીસ-અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોળીબાર શરૂ થતાં જ બાળકો કબાટમાં છુપાઈ ગયાં હતાં. ૧૨ વર્ષના બાળકે હિંમત કરીને ૯૧૧ પર ફોન કરીને પોલીસને આ ઘટના વિશે જાણ કરી હતી, જેને કારણે પોલીસ થોડી વારમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. બાળકોને કોઈ નુકસાન થયું નથી અને તેમને પરિવારના સભ્યને સોંપી દેવામાં આવ્યાં છે.