15 May, 2025 08:18 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
અનીતા આનંદ
કૅનેડામાં ભારતીય મૂળનાં અનીતા આનંદને માર્ક કાર્નીની કૅબિનેટમાં વિદેશપ્રધાન બનાવવામાં આવ્યાં છે. અનીતા આનંદે પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ગીતા પર હાથ મૂકીને પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ છે. ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે પણ અનીતા આનંદને અભિનંદન પાઠવ્યાં છે. અનીતા આનંદ ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારમાં કૅબિનેટ પ્રધાન રહી ચૂક્યાં છે. અનીતા આનંદ મેલાની જોલીનું સ્થાન લેશે, જેમને હવે ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
અનીતા આનંદે ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ લીધા એ જોઈને ભારતીય મૂળના લોકોમાં ગર્વની લાગણી ફેલાઈ હતી. અનીતા આનંદે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘કૅનેડાનાં વિદેશપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ હું ગર્વ અનુભવું છું. હું કૅનેડિયનો માટે એક સુરક્ષિત અને ન્યાયી વિશ્વ બનાવવા અને તેમને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે વડા પ્રધાન માર્ક કાર્ની અને અમારી ટીમ સાથે કામ કરવા આતુર છું.’
અનીતા આનંદ કોણ છે?
અનીતા આનંદે અગાઉ કૅનેડાના સંરક્ષણપ્રધાન અને પરિવહનપ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. તેમનો જન્મ ૧૯૬૭ની ૨૦ મેએ કૅનેડાના કેન્ટવિલેમાં એક ઇમિગ્રન્ટ ડૉક્ટર પરિવારમાં થયો હતો. તેમનાં માતા-પિતા ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં ભારતથી કૅનેડા સ્થળાંતર કરીને આવ્યાં હતાં. તેમની માતા પંજાબની હતી, જ્યારે પિતા તામિલનાડુના હતા. તેમને બે બહેનો છે જેમનાં નામ ગીતા અને સોનિયા છે.